શ્રીનગર એરપોર્ટ પર બે જીવતા ગ્રેનેડ સાથે આર્મી જવાન ઝડપાતાં હડકંપ

શ્રીનગર: શ્રીનગરના એરપોર્ટ પર આજે સવારે લશ્કરના એક જવાનને પોલીસે બે જીવતા ગ્રેનેડ લઈને જતો ઝડપી પાડ્યો હતો. આ જવાન દિલ્હી જવા માટે ફ્લાઈટ પકડનાર હતો ત્યારે તેની પાસેથી બે ગ્રેનેડ મળી આવતાં તાત્કાલિક તેની ધરપકડ કરવામાં આવી હતી. શ્રીનગર એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન તેના લગેજમાંથી બે જીવતા ગ્રેનેડ મળ્યા હતા. આ જવાન વાસ્તવિક અંકુશરેખા (એલઓસી) નજીક ઉરી સેક્ટરમાં તહેનાત હતો. પોલીસને મળેલી માહિતી અનુસાર આ જવાન દિલ્હી માટેની ફ્લાઈટમાં જવાનો હતો અને તેની બેગના ચેકિંગ દરમિયાન બે ગ્રેનેડ મળી આવ્યા હતા. પાછળથી સત્તાવાળાઓએ તેની તાત્કાલિક ધરપકડ કરી હતી.

આ જવાનની ધરપકડ કર્યા બાદ એની પૂછપરછ કરવામાં આવતાં તેણે જણાવ્યું હતું કે તેના જ અધિકારીએ તેને આ ગ્રેનેડ આપ્યા હતા, જોકે પોલીસને તેના આ નિવેદન પર વિશ્વાસ નથી અને તેથી પોલીસ આ બાબતમાં ગહન તપાસ કરી રહી છે કે આ ઘટના કોઈ મોટી સા‌િજશનો ભાગ તો નથી ને. આ જવાન એક સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનથી દિલ્હી આવવાનો હતો. આ વિમાનમાં સેનાના જવાનો પણ દિલ્હી આવી રહ્યા હતા અને તેથી ગ્રેનેડ સાથે જવાનની ધરપકડ થઈ તેનાથી એક મોટી દુર્ઘટના નિવારાઈ હોવાનું કહેવાય છે.

ગ્રેનેડ સાથે ધરપકડ કરાયેલ જવાનનું નામ ભૂપલ મુખિયા હોવાનું બહાર આવ્યું છે તે દાર્જિલિંગનો રહેવાસી છે. એરપોર્ટ પર એનટી હાઈજેકિંગ સ્કવોડ દ્વારા તેને જીવતા બે ગ્રેનેડ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. તેને મધ્ય કાશ્મીરના હુમામા ખાતેના પોલીસ સ્ટેશન પર પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો છે.

http://sambhaavnews.com/

You might also like