સેનાનો ‘360 ડિગ્રી’ એક્શન પ્લાન તૈયાર: ચારે તરફથી પાકિસ્તાનને ઘેરશે

(એજન્સી) નવી દિલ્હી: ભારતે પુલવામામાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા અને પાકિસ્તાનને સબક શીખવવા ‘૩૬૦ ડિગ્રી’ એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. સરકારનાં ઉચ્ચ સ્તરીય સૂત્રોએ એ વાતની પુષ્ટિ કરી છે કે પાકિસ્તાન વિરુદ્ધ હવે બહુ મોટી કાર્યવાહી હાથ ધરાશે. પુલવામા આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ જૈશના કમાન્ડર કામરાન ગાઝીને સુરક્ષાદળોએ ફૂંકી માર્યો છે, પરંતુ આ તો ફક્ત શરૂઆત છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ જણાવે છે કે હજુ પાકિસ્તાન સામે બહુ મોટી કાર્યવાહી થવાની બાકી છે. આ કાર્યવાહી ૩૬૦ ડિગ્રી એટલે કે પાકિસ્તાનને ચારે તરફથી ઘેરીને તેને સબક શીખવવાનો પ્લાન છે. સરકારે સેના અને ઈન્ટેલિજન્સ એજન્સીઓને આ ખાસ એક્શન પ્લાન ઘડી કાઢવા જણાવ્યું હતું, જે હવે તૈયાર થઈ ગયો છે. સરકાર તરફથી આ પ્લાનને લાગુ કરવાની લીલી ઝંડી પણ આપી દેવામાં આવી છે.

૩૬૦ ડિગ્રી એક્શન પ્લાન અનુસાર જળ (નેવી), સ્થળ (આર્મી) અને નભ (એરફોર્સ) એમ ત્રણેય સેનાને એલર્ટ રહેવા અને એક્શન પ્લાન અનુસાર કાર્યવાહી કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે. સેનાને ચાર દિવસ પહેલાં એટલે કે ૧પ ફેબ્રુઆરીએ એક્શન પ્લાન તૈયાર કરવા જણાવાયું હતું.

સેના અને ઈન્ટેલિજન્સ એજન્સીઓએ આ વખતે આતંકને જડમૂળથી નાબૂદ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. આતંકીઓના આકાઓ અને પાકિસ્તાનને સબક શીખવવા માટે કાશ્મીરમાં તહેનાત અધિકારીઓ પાસેથી પણ અલગ અલગ પ્લાન માગવામાં આવ્યા છે. તેના પર સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને પીએમઓ આખરી સહમતી આપે પછી કાર્યવાહીના આદેશ જારી કરવામાં આવશે તેવું સૂત્રો જણાવે છે.

હાલ જે પ્લાન મળ્યા છે તેમાંથી છ પ્લાન પસંદ કરવામાં આવશે અને તેના પર મંજૂરીની મહોર લાગ્યા બાદ કાર્યવાહીની બ્લૂપ્રિન્ટ તૈયાર કરાશે. પાકિસ્તાન અને આતંકીઓને પાઠ ભણાવવા માટે અમલમાં મુકાનારા આ ૩૬૦ ડિગ્રી એક્શન પ્લાનમાં કાશ્મીર, પાક. અધિકૃત કાશ્મીર (પીઓકે) અને પાકિસ્તાનના સરહદી વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એજન્સીઓના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર હાલ કાશ્મીરમાં સુરક્ષાદળોને જેમના વિશેની તમામ જાણકારી છે તેવા ર૪ર આતંકીઓ સહિત કુલ ૩પ૦ આતંકીઓ સક્રિય છે. સુરક્ષાદળોને હવે આ તમામ આતંકીઓને ખતમ કરવાનાે ટાસ્ક સોંપવામાં આવ્યો છે. કાશ્મીર ઘાટીને આતંકીવિહીન કરવાનો પ્લાન હાલ સૌથી ઉચ્ચક્રમે છે. સરકારની ટોપ પ્રાયોરિટી પણ કાશ્મીર ઘાટી જ છે.

You might also like