આર્મીના મેજરની કારનો કાચ તોડી લેપટોપ-મોબાઇલની ચોરી

અમદાવાદ: ભારતીય આર્મીમાં મેજર તરીકે અમદાવાદ ખાતે ફરજ બજાવતા આર્મીના મેજરની કારનો કાચ તોડી લેપટોપ, મોબાઇલ અને પર્સની ચોરી થઇ છે. મોડી રાતે બે વાગ્યે મેજર પોતાની કાર લઇ રિવરફ્રન્ટ ખાતે ગયા હતા. કાર પાર્ક કરી તેઓ વોક-વે પર ર‌િનંગ કરવા ગયા અને પરત આવ્યા ત્યારે ઇંટથી કોઇ વ્યક્તિએ કારનો કાચ તોડી લેપટોપ અને મોબાઇલ વગેરે મળી રૂ.૩ર,૩૦૦ની મતાની ચોરી કરી લીધી હતી.

શાહીબાગમાં ઓફિસર એન્ક્લેવમાં રહેતા અને ભારતીય આર્મીની સિગ્નલ રે‌િજમેન્ટમાં મેજર તરીકે અમદાવાદમાં ફરજ બજાવતા તેજપાલસિંગ જસપાલસિંગ સોઢી (ઉ.વ.૩૩) શનિવારે મોડી રાતે પોતાની કાર લઇ રિવરફ્રન્ટ ખાતે ર‌િનંગ કરવા નીકળ્યા હતા. ચિલ્ડ્રનપાર્ક સામે તેઓની ગાડીને લોક કરી વોક-વે પર ર‌િનંગ કરવા નીકળ્યા હતા.

દરમ્યાનમાં કોઇ અજાણી વ્યક્તિએ ઇંટ દ્વારા ડ્રાઇવરની આગળની સાઇડનો કાચ તોડી અંદરથી લેપટોપ, મોબાઇલ ફોન અને પર્સની ઉઠાંતરી કરી લીધી હતી. બે વાગ્યે તેજપાલસિંગ પરત આવ્યા ત્યારે તેઓએ કારનો કાચ તૂટેલો જોતાં તપાસ કરતાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. આ અંગે તેઓએ સાબરમતી (ઇસ્ટ) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like