આર્મીના ૧૦૦થી વધુ અધિકારીઓ પ્રમોશનમાં ભેદભાવ વિરુદ્ધ સુપ્રીમમાં

નવી દિલ્હી: સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમનને એક નવા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. આર્મીના ૧૦૦થી વધુ લેફ.કર્નલ અને મેજર સંવર્ગના અધિકારીઓના પ્રમોશનમાં કહેવાતા ભેદભાવ અને અન્યાય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા છે.

આર્મીના અધિકારીઓએ પોતાની પિટિશનમાં જણાવ્યું છે કે આર્મી અને લશ્કરના આ કૃત્ય (પ્રમોશનમાં ભેદભાવ)થી અરજદારો અને અન્યો સાથે અન્યાય થયો છે, જેની અધિકારીઓના મનોબળ પર અસર પડી રહી છે, જેેનાથી દેશની સુરક્ષા પણ પ્રભાવિત થઇ શકે છે.

લેફ.કર્નલ પી.કે.ચૌધરીના વડપણ હેઠળ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ એક સંયુકત પિટિશનમાં અધિકારીઓએ જણાવ્યું છે કે સર્વિસીસ કોરના અધિકારીઓને ઓપરેશનલ એરિયામાં તહેનાત કરવામાં આવ્યા છે. કોમ્બેટ આર્મ્સ કોરના અધિકારીઓને પણ આવા જ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને પોતાના વકીલ નીલા ગોખલે દ્વારા પૂછવામાં આવ્યું હતું કે કોમ્બેટ આર્મ્સના અધિકારીઓને જે રીતે પ્રમોશન આપવામાં આવી રહ્યા છે તેથી તેમને કેમ વંચિત રાખવામાં આવ્યા છે?

સરકાર માટે ચિંતાની વાત એ છે કે અરજદારોએ જણાવ્યું છે કે જ્યાં સુધી પ્રમોશનમાં સમાનત લાવવામાં ન આવે ત્યાં સુધી સર્વિસીસ કોરના અધિકારીઓને કોમ્બેટ આર્મ્સમાં તહેનાત કરવામાં ન આવે. સેેના અને સરકાર બેવડા માપદંડ અપનાવી રહી છે. ઓપરેશન એરિયામાં તહેનાતી વચ્ચે સર્વિસીસ કોરના અધિકારીઓનો ઓપરેશન રીતે ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે પ્રમોશનની વાત આવે છે ત્યારે તેમને નોન ઓપરેશનલ માનવામાં આવે છે, જે તેમના મૂળભૂત અધિકારોના ભંગ સમાન છે.

You might also like