સેના આઝાદ છે, જવાબી કાર્યવાહી માટે હાથ ક્યારેય પણ બંધાયેલા ન હતા: ડી.એસ. હૂડા

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં આતંકી કેમ્પો પર વર્ષ ૨૦૧૬માં થયેલી સર્જિકલ સ્ટ્રાઈકની આગેવાની કરી ચૂકેલા લેફ્ટનન્ટ જનરલ (સેવાનિવૃત્ત) ડી.એસ. હૂડાએ જણાવ્યું છે કે, મોદી સરકારે ભારતીય સેનાને સીમા પાર હુમલા કરવાની મંજૂરી આપવામાં બહુ મોટો સંકલ્પ પ્રદર્શિત કર્યો છે, પરંતુ સેનાના હાથ એ પહેલા પણ ક્યારેય બંધાયેલા ન હતા.

હૂડાએ આ ચોંકાવનારી વાત ‘ગોવા ફેસ્ટ’ના એક કાર્યક્રમમાં જણાવી હતી. ડી.એસ. હૂડાએ જણાવ્યું કે, વર્તમાન સરકારે સરહદ પાર જઈને સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટમાં એરસ્ટ્રાઈકની મંજૂરી આપવામાં નિશ્ચિતરૂપે મહાન રાજનૈતિક સંકલ્પ દેખાડ્યો છે, પરંતુ આ પહેલાં પણ ભારતીય સેનાના હાથ બંધાયેલા તો નહોતા જ.

સેનાને ખુલ્લી છૂટ આપવા અંગે ઘણી વાતો થઈ છે, અનેક નિવેદનો આપવામાં આવ્યાં છે, પણ વર્ષ ૧૯૪૭થી ભારતીય સેના સરહદ પર આઝાદ જ છે. સેનાએ ત્રણ-ચાર યુદ્ધ પણ કર્યાં છે.

હૂડાએ જણાવ્યું કે, નિયંત્રણ રેખા (એલઓસી) એક ખતરનાક જગ્યા છે, કેમ કે તમારી ઉપર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે અને જમીન પર તહેનાત સૈનિકો તુરંત તેનો જવાબ આપે જ છે. સૈનિકો જવાબી કાર્યવાહી માટે મને (કે પછી તેમના ઉપરી અધિકારીઓને) પણ પૂછતા નથી.

વળતો જવાબ આપવામાં કોઈની પણ મંજૂરી લેવાનો સવાલ જ આવતો નથી. સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવી છે અને આ બધું એક સાથે થયું કેમ કે ત્યારે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સેનાના એક પૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે, મુંબઈમાં ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ થયેલા આતંકી હુમલા બાદ જ ભારતીય સેના પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી હતી, પરંતુ તત્કાલિન યુપીએ સરકારે તેની મંજૂરી આપી ન હતી.

પૂર્વ સૈન્ય અધિકારીના આ નિવેદન બાદ ભાજપના દિગ્ગજ નેતાઓ દરેક રેલીમાં કોંગ્રેસ પર આ મુદ્દે હુમલો કરી રહ્યા છે. આ નિવેદનને આધાર બનાવીને કોંગ્રેસની આકરી ટીકા પણ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, હૂડા હાલ રાષ્ટ્રીય સુરક્ષા પર કોંગ્રેસની ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, (ઊરી હુમલાથી અગાઉ) છેલ્લા એક વર્ષમાં સ્પેશિયલ ફોર્સિસને આ પ્રકારની કાર્યવાહી માટે તૈયાર કરવામાં આવી હતી. તેમણે આ પહેલાં પણ સર્જિકલ સ્ટ્રાઈકના વધુ પડતા પ્રચારની ટીકા કરી હતી.

You might also like