ડીસીપી કહે છે, મૌખિક આક્ષેપોની તપાસ ન થાય, અર્જુન મોઢવાડિયા કહે છે કે પુરાવા રજૂ કરીશ

અમદાવાદ: સેટેલાઇટ વિસ્તારમાં ઇસ્કોન ચાર રસ્તા નજીક આવેલ આશાવરી ટાવરમાં યોજાયેલી બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણી રહેલા કોંગ્રેસ અગ્રણી અર્જુન મોઢવાડિયાના પુત્ર સહિત ૨૫ નબીરાને પોલીસે પકડી પાડ્યા બાદ અર્જુન મોઢવાડિયાએ પોલીસ પર કરેલા ગંભીર આક્ષેપોથી ભારે વિવાદ સર્જાયો છે અને આ સમગ્ર મામલામાં પોલીસ અને મોઢવાડિયા આમનેસામને આવી ગયા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે દારૂની મહેફિલ પર પોલીસે છાપો મારી કોંગ્રેસના અગ્રણી અર્જુન મોઢવાડિયાના પુત્ર પાર્થ સહિત ૨૫ નબીરાને ઝડપી લીધા છે. પોલીસની ચુંગાલમાંથી છટકવા નબીરાઓએ ભારે ધમપછાડા કર્યા હતા અને પોલીસ અધિકારીઓ પર ભલામણોના ફોનનો દોર પણ શરૂ થયો હતો. આમ છતાં પોલીસે મચક આપી ન હતી અને આ તમામ નબીરાઓને પીધેલી હાલતમાં લોકઅપ ભેગા કરી દીધા હતા.

અર્જુન મોઢવાડિયા શું કહે છે?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે આ મામલો અત્યંત ગંભીર છે. મારા પુત્રને ફસાવવાનો પ્રયાસ છે. હું આ બાબતે સાંજે જ પત્રકાર પરિષદમાં તમામ માહિતી આપીશ અને પુરાવા પણ રજૂ કરીશ.

આક્ષેપોની તપાસ ન થાયઃ ડીસીપી, ચૌધરી
ઝોન-૨ના નાયબ પોલીસ કમિશનર વિધિ ચૌધરીએ કહ્યું હતું કે કોઇ પણ વ્યક્તિ ગમે તે મૌખિક આક્ષેપ કરે તેની તપાસ ન હોય. પોલીસે કોઇ પૈસાની માગણી કરી હોય તો તેના પુરાવા રજૂ કરવા પડે. મોઢવાડિયાના પુત્ર પાર્થના આલ્કોહોલના રિપોર્ટ અંગે ચૌધરીએ કહ્યું કે પાર્થનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

હજુ સુધી તપાસ સોંપાઈ નથીઃ એસીપી, જાડેજા
કોંગ્રેસ અગ્રણી મોઢવાડિયાના પુત્ર સહિત ૨૫ નબીરાઓને પીધેલી હાલતમાં ઝડપી લેવાની ઘટના અંગે એસીપી જાડેજાએ કહ્યું હતું કે પોલીસ પર પૈસા લેવાનો આક્ષેપ થયો છે, પરંતુ ઉચ્ચ અધિકારી દ્વારા હજુ સુધી આ પ્રકારની કોઇ તપાસ સોંપવામાં આવી નથી. તપાસ સોંપાશે તો જરૂર યોગ્ય તપાસ કરવામાં આવશે.

You might also like