અરિજિતની કોન્સર્ટ પર ટેક્સ ચોરીની તલવાર

અમદાવાદ: સરદાર પટેલ સ્ટેડિયમમાં તા.૨૪ ડિસેમ્બરે યોજાઇ રહેલી લાઇવ કોન્સર્ટ ‘અરિજિતસિંહ એઝ નેવર બિફોર’ મનોરંજન કરની ચોરીની શંકાના મામલે વિવાદે ચઢી છે. કોન્સર્ટને આડે હવે ગણતરીના બે દિવસ રહ્યા છે ત્યારે વિવાદ સર્જાતા મોંઘા ભાવની ટિકિટો ખરીદી ચૂકેલા હજારો ચાહકોના જીવ તાળવે ચોંટ્યા છે. મનોરંજન કરની ચોરીની શંકાના મુદ્દે કોન્સર્ટની આયોજક કંપની જિપ્સી ઇવેન્ટ્સ સામે તપાસ શરૂ કરવામાં આવી છે.

બોલિવૂડમાં અત્યારે અરિજિતસિંહનું નામ ટોચના સિંગરમાં લેવાય છે તે જે ગીત ગાય છે તે હીટ જાય છે. તેથી જિપ્સી ઇવેન્ટ્સ દ્વારા ત્રણ વર્ષ પહેલાં રાજપથ કલબમાં અરિજિતસિંહ નાઇટ યોજાઇ હતી તે વખતે પણ ઈવેન્ટ કંપની વિવાદમાં અાવી હતી. અન્ય મ્યુઝિક કંપનીનાં ગીત ગાવા બદલ જિપ્સી ઇવેન્ટ્સને કેટલીક ચોક્કસ રકમ ચૂકવવાની નોટિસ અપાઇ હોવાનું જાણવા મળે છે.

મનોરંજન વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષ આયોજિત થયેલી સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેની અરિજિતસિંહ નાઇટ દરમ્યાન મનોરંજન કર ચૂકવવાનાં લેણાં બાકી નીકળે છે. જોકે આ અંગે વિભાગનાં સૂત્રો કશું કહેવા તૈયાર નથી. પરંતુ આધારભૂત સૂત્રોનાં જણાવ્યા મુજબ કંપની દ્વારા છેલ્લી ઇવેન્ટમાં મનોરંજન કર ભરાયો નહીં હોવાની બાબત સામે આવી છે.

હાલમાં મામલતદાર કક્ષાએ આ બાબતે તપાસ ચાલી રહી છે. કરની રકમનું કેટલું ચૂકવણું બાકી છે? કેટલી ટિકિટનું વેચાણ થયું હતું? અત્યારે કેટલી ટિકિટો વેચાઇ છે? વગેરે વિગતો ઇવેન્ટસ કંપની પાસેથી માંગવામાં આવી છે. ઇવેન્ટ કંપનીના મુખ્ય આયોજકે મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી દીધો છે.

સરદાર પટેલ સ્ટેડિયમમાં કોઇ પણ કાર્યક્રમ યોજાય તેના માટે સ્ટેડિયમ ભાડે અપાય તો ટિકિટના દર સસ્તા રાખવાના હોય છે. પરંતુ હાલમાં ઓનલાઇન વેચાણ થઇ રહેલી ટિકિટના ભાવ પ૦૦થી વધીને વ્યક્તિ દીઠ ૧પ૦૦ પહોંચ્યા છે. જ્યારે સ્ટેજની સામે ગોઠવવામાં આવેલા રાઉન્ડ ટેબલ ઉપર જેમાં ૬ થી ૮ વ્યક્તિ બેસી શકે તેવી ગોઠવણ કરાઇ છે. તેનો ભાવ દોઢથી અઢી લાખ બોલાઇ રહ્યો છે.

આ સંજોગોમાં હવે ઇવેન્ટ કંપનીએ આજે મનોરંજન કર વિભાગ સમક્ષ રજૂ થઇને અત્યાર સુધી વેચાયેલી તમામ ટિકિટ સહિત મેળવેલી કુલ રકમની વિગતો આપવી પડશે અને તેના ઉપર રપ ટકા કરની ચૂકવણી કરવી પડશે. એટલું જ નહીં હવે વિભાગના અધિકારીઓ સરપ્રાઇઝ ચેકિંગ દ્વારા ઇવેન્ટ કંપનીએ આપેલી માહિતી સાચી છે કે નહીં તેની પણ તપાસ કરશે.

આ અંગે અમદાવાદ જિલ્લા કલેકટર અવંતિકાસિંહ, મામલતદાર બી.બી. શાહ, ઇવેન્ટ કંપનીના આયોજક ચિરાગ પટેલ અને મલય શોધનના મોબાઈલ પર સંપર્ક થઈ શક્યો ન હતો.  ગત વર્ષે યોજાયેલી ઇવેન્ટ માટે પણ લાખો રૂપિયાનો ટેકસ નહીં ચૂકવવાની બાબતે ખાતાકીય તપાસ થવા ઉપરાંત કંપનીને દોઢ ગણા દંડ સાથેનો ટેકસ વસૂલવા માટેની નોટિસ આપવાનો તખ્તો તૈયાર થઇ રહ્યો છે.
http://sambhaavnews.com/

You might also like