આર્જેન્ટિનાની ટીમ ત્રણ ટન ખાવાનું પેક કરીને રશિયા લાવી

મોસ્કોઃ ફિફા વિશ્વકપ આગામી ગુરુવારથી શરૂ થઈ રહ્યો છે. હાલ બધી જ ૩૨ ટીમ રશિયા પહોંચી ચૂકી છે. આર્જેન્ટિનાની ટીમ જ્યારે રશિયા પહોંચી ત્યારે ખેલાડીઓ સાથે જોડાયેલી એક વિચિત્ર વાત સાંભળવા મળી છે, જેના કારણે બધાંને આશ્ચર્ય થયું છે.

આર્જેન્ટિનાના ખેલાડીઓ પોતાની સાથે ત્રણ ટન ‘ઘરનું ખાવાનું’ પણ લાવ્યા છે એટલે સુધી કે જે કૂક જમવાનું બનાવવાનો છે તે પણ આર્જેન્ટિનાથી ટીમના પહેલાં જ રશિયા પહોંચી ચૂક્યો હતો. રશિયામાં આર્જેન્ટિનાના રાજદૂત રિકાર્ડો લગોરિયોનું કહેવું છે, ”હા, એ વાત બિલકુલ સાચી છે કે નેશનલ ટીમ પોતાની સાથે ખાવાનું પણ લાવી છે.

એની પાછળનો ઉદ્દેશ ખેલાડીઓને ઘર જેવો જ માહોલ આપવાનો પણ છે. આર્જેન્ટિનાના ખેલાડીઓ પોતાનો નેચરલ ડાયટ આરોગશે, તેના કારણે તેઓ ફિટ પણ રહી શકશે અને વિશ્વકપમાં સારું પરિણામ પણ લાવી શકશે. ડાયટમાં બીફ, ડ્યૂલ્સે, ડે-લચે, પોર્ક ઇત્યાદિ વાનગીઓ મુખ્ય છે. જોકે આર્જેન્ટિનાનું મેનેજમેન્ટ ફ્રેશ ફૂડ પણ સાથે લાવવાનું હતું, પરંતુ તેઓ એવું કરી શક્યા નહીં, કારણ કે રશિયામાં અન્ય દેશમાંથી ફ્રેશ ફૂડ લાવવાની મનાઈ છે.”

આ વખતે આર્જેન્ટિનાના ફૂટબોલ ચાહકોની આશા પોતાના કેપ્ટન લિયોનેલ મેસી પર છે. આર્જેન્ટિનાએ ૧૬ વાર વિશ્વકપમાં ભાગ લીધો છે. બ્રાઝિલમાં ૨૦૧૪માં યોજાયેલા વિશ્વકપમાં મેસીના નેતૃત્વમાં આર્જેન્ટિનાની ફાઇનલમાં તો પહોંચી હતી, પરંતુ ત્યાં જર્મની સામે ૦-૧થી હારનો સામનો કરવો પડ્યો હતો. આર્જેન્ટિના બે વાર વિશ્વકપ ખિતાબ જીતી ચૂક્યું છે. પહેલી વાર ૧૯૭૮માં ડેનિયલ પાસારીલાના નેતૃત્વમાં અને બીજી વાર ૧૯૮૬માં ડિએગો મારાડોનાના નેતૃત્વમાં.

You might also like