શું કેટ-આલિયાના સંબંધોમાં આવી તિરાડ?

લગભગ દરેક પ્રકારના રોલમાં પોતાની અભિનય પ્રતિભાના દમ પર જીવ રેડવાના ગુણ બહુ ઓછી અભિનેત્રીઓમાં હોય છે. નાનકડી ઉંમરમાં અલગ જ ઓળખ ઊભી કરી ચૂકેલી આલિયા ભટ્ટે તાજેતરમાં ‘રાઝી ફિલ્મ કરી તેમાં તેનાં ખૂબ જ વખાણ થયાં. આલિયાનાં વખાણ કરનાર લોકોનું લિસ્ટ લાંબું થઇ રહ્યું છે. આ એક થ્રિલર ફિલ્મ હતી, જેને મેઘના ગુલઝારે ડિરેક્ટ કરી હતી.

આલિયા સાથે પહેલી વાર વિકી કૌશલ હીરોના રૂપમાં દેખાયો હતો. આલિયાને બોલિવૂડમાં લોન્ચ કરનાર કરણ જોહરે આ ફિલ્મ પ્રોડ્યૂસ કરી હતી. આ ફિલ્મ હરીન્દર સિક્કાના પુસ્તક ‘કોલિંગ સહમત’ પરથી બનાવાઇ હતી.

ઉલ્લેખનીય છે કે પોતાનાં પાત્રો માટે સખત મહેનત કરનારી આલિયાએ આ ફિલ્મમાં એક વાર ફરી પોતાની બેસ્ટ એક્ટિંગનો નમૂનો દર્શકો સામે રજૂ કર્યો.

ફિલ્મ ‘રાઝી’માં આલિયાએ એક જ ભૂમિકામાં પુત્રી, પત્ની અને એક જાસૂસ એમ ત્રણ રોલ ભજવ્યા હતા. તેનું કહેવું છે કે પત્નીનું પાત્ર ભજવવું મુશ્કેલ હતું, કેમ કે અપરાધ કર્યા બાદ તેને ખૂબ જ પસ્તાવો થાય છે.

તે કહે છે કે આ ફિલ્મ અને પાત્રમાંથી હું ઘણું બધું શીખી છું. શૂટિંગ દરમ્યાન મેં એ લોકો વિશે જાણ્યું જે નિઃસ્વાર્થ ભાવે સેવા કરતા હોય છે. આલિયાએ એમ પણ જણાવ્યું કે આ ફિલ્મ મારા માટે ખરેખર ચેલેન્જિંગ હતી.

આલિયા અને કેટરીના સારા મિત્રો છે. તેમની દોસ્તીની ચર્ચાઓ પણ મીડિયામાં થતી રહે છે. બંને ઘણી વાર પાર્ટી અને ઇવેન્ટમાં સાથે જોવા મળ્યાં હતાં, પરંતુ છેલ્લા થોડા સમયથી રણબીર કપૂરના કારણે આ બંનેની મિત્રતામાં તિરાડ પડી છે. રણબીર અને આલિયા હાલમાં અયાન મુખરજીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ કરી રહ્યાં છે.

આલિયા અને રણબીરની નિકટતા હવે મીડિયામાં ચર્ચાઇ રહી છે. કેટરીના એ વાતે નારાજ છે કે આલિયાએ રણબીર સાથેની તેની નિકટતા અંગે કેટરીનાને ખુદ કેમ કંઇ ન કહ્યું. જે વાત કેટરીનાને લોકો પાસેથી સાંભળવા મળી તે જ વાત આલિયાએ કહી હોત તો તેને ગમ્યું હોત.

You might also like