અરબાઝ સાથે અલગ અંદાજમાં સની લિયોન

અરબાઝ ખાન અને સની લિયોનની મુખ્ય ભૂમિકાથી સજેલી પહેલી ફિલ્મ ‘તેરા ઇન્તઝાર’ રિલીઝ માટે તૈયાર છે. બાગેશ્રી પ્રા. લિ.ના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના પ્રચાર માટે અરબાઝ સની અને નિર્દેશક રાજીવ વાલિયા સાથે દિલ્હી પહોંચ્યાે. તેમણે ફિલ્મનું પહેલું ઓફિશિયલ પોસ્ટર પણ રિલીઝ કર્યું. ફિલ્મ ‘તેરા ઇન્તઝાર’ની કહાણી એક આર્ટ ગેલેરીની માલકિન રોનક (સની લિયોન) અને જન્મજાત પેઇન્ટર વીર (અરબાઝ ખાન)ની આસપાસ ફરે છે. એક દિવસ રોનકને વીર ક્યાંય દેખાતો નથી. તેને લાગે છે કે વીર ક્યાંક ગુમ થઇ ગયો. ત્યારબાદ તે દરેક જગ્યાએ તેને શોધે છે. પોતાના ગુમ થયેલા પ્રેમની તલાશ દરમિયાન રોનકને ઘણા બધા અનુભવમાંથી પસાર થવું પડે છે.
પોતાની આ ફિલ્મ અંગે અરબાઝ કહે છે કે આ ફિલ્મ ખૂબ જ સ્ટાઇલિસ્ટ અંદાજમાં બનાવાઇ છે. આ કારણે તેમાં હોલિવૂડની ફિલ્મોની ઝલક પણ મળી શકે, પરંતુ મૂળ આત્મા બોલિવૂડનો છે. આ એક મ્યુઝિકલ થ્રિલર ફિલ્મ છે, તેમાં ઘણો રોમાંચ જોવા મળશે એટલું જ નહીં, આ ફિલ્મમાં સની પણ એકદમ અલગ અંદાજમાં જોવા મળશે. તેનું આવું રૂપ અને અંદાજ પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી. અરબાઝ ફિલ્મમાં પોતાના રોલ અંગે કહે છે કે આ ફિલ્મમાં હું નકારાત્મક ભૂમિકામાં નથી. મારી પહેલી ફિલ્મ ‘દરાર’ રોમેન્ટિક ફિલ્મ હતી, પરંતુ મારું પાત્ર નકારાત્મક હતું. થ્રિલર ફિલ્મમાં અલગ પ્રકારની કહાણીની જરૂર હોય છે. દર્શકોને તેમાં કંઇક નવું મળવું જોઇએ. અમને આ ફિલ્મમાં સારાં ગીતો પણ મળ્યાં છે તે અમારું સદ્નસીબ છે. •

You might also like