હાર્દિકનાં આમરણાંત ઉપવાસનાં સમર્થનમાં 50થી વધુ પાટીદારોએ કરાવ્યું મુંડન

અરવલ્લી જિલ્લાનાં બાયડ તાલુકાનાં તેનપુર ગામમાં હાર્દિકનાં સમર્થનમાં પ્રતિક ઉપવાસ યોજાયાં. ઉપવાસ આંદોલનમાં 50થી વધુ પાટીદારોએ મુંડન કરાવ્યું છે. પ્રતીક ઉપવાસમાં પાસનાં કાર્યકરો જોડાયાં છે. આ સિવાય બીજી બાજુ હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર છે.

ત્યારે ભાવનગરનાં બુધેલમાં હાર્દિક પટેલનાં સમર્થનમાં પાસ કન્વીનર નીતિન ઘેલાણીનાં ઘરે પણ 100થી વધુ લોકો ઉપવાસમાં જોડાયાં હતાં અને 5 યુવકોએ હાર્દિકનાં સમર્થનમાં મુંડન કરાવ્યું હતું. તો તળાજાનાં ધારાસભ્ય કનુભાઈ બારૈયા પણ ત્યાં હાજર રહ્યાં હતાં અને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં અને હાર્દિક માત્ર અનામત આંદોલન માટે જ નહીં પરંતુ ખેડૂતોનાં હિત માટે લડી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવા માફી મુદ્દે પાટીદાર અનામત આંદોલન સમિતીનાં કન્વીનર હાર્દિક પટેલ છેલ્લાં 11 દિવસથી આમરણાંત ઉપવાસ પર છે. ત્યારે હાર્દિક પટેલ વૈષ્ણોદેવી ગ્રીનવૂડસ પાસે આવેલા પોતાનાં છત્રપતિ નિવાસમાં ઉપવાસ કરી રહેલ છે.

હાર્દિક પટેલ સતત 11 દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન પર છે. ત્યારે છેલ્લાં કેટલાંય દિવસથી હાર્દિકનાં ઘરે મોટી સંખ્યામાં તેનાં સમર્થકો ઉમટી રહ્યાં છે. હાર્દિકની સાથે ઉપવાસ આંદોલનમાં પાસનાં કન્વીનરો અને પાટીદાર નેતાઓ પણ જોડાવવા લાગ્યાં છે.

જો કે અહીં સમર્થકોનાં જમાવડાને પગલે હાર્દિકનાં ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે. તે ઉપરાંત સતત પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. ત્યારે હાર્દિકનાં આ આમરણાંત ઉપવાસને સમર્થન આપવા માટે અરવલ્લી ખાતે 50થી વધુ પાટીદારોએ મુંડન કરાવ્યું છે તેમજ ભાવનગર ખાતે પાસ કન્વીનર નીતિન ઘેલાણીનાં ઘરે પણ 100થી વધુ લોકો ઉપવાસમાં જોડાયાં હતાં અને 5 યુવકોએ હાર્દિકનાં સમર્થનમાં મુંડન કરાવ્યું હતું.

You might also like