એપ્રિલથી માર્ચના નાણાકીય વર્ષની પરંપરા તૂટશે?

નવી દિલ્હી: સરકારે પાછલાં કેટલાંક વર્ષથી ચાલી આવતી એપ્રિલથી માર્ચ મહિનાના નાણાકીય વર્ષની વર્તમાન પરંપરા તોડવાની કવાયત હાથ ધરી છે. સરકારે નાણાં વિભાગના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર શંકર આચાર્યની અધ્યક્ષતામાં એક ચાર સભ્યની સમિતિની રચના કરી છે અને વર્તમાન એપ્રિલથી માર્ચ મહિનાના નાણાકીય વર્ષની વ્યવહારિકતા ચકાસવા જણાવ્યું છે. ૧ એપ્રિલથી ૩૧ માર્ચના વર્તમાન નાણાકીય વર્ષની વ્યવસ્થા બદલાય તો ફેબ્રુઆરીમાં રજૂ થતા બજેટની પણ વ્યવસ્થા બદલવી પડે. નાણાં વિભાગે આ કમિટીને ૩૧ ડિસેમ્બર સુધી રિપોર્ટ સોંપવા જણાવ્યું છે.

પૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીના નેતૃત્વવાળી એનડીએ સરકારે બજેટ રજૂ કરવાની વર્ષોથી ચાલી આવતી પરંપરા તોડી હતી. વર્ષ ૨૦૦૦ પહેલાં સાંજે પાંચ વાગ્યે બજેટ રજૂ કરવામાં આવતું હતું, પરંતુ વર્ષ ૨૦૦૦માં વાજપેયી સરકારે આ પરંપરાને તોડી સવારે ૧૧ કલાકે બજેટ રજૂ કરવાનું શરૂ કર્યું.

નોંધનીય છે કે દુનિયાના કેટલાય દેશોમાં કેલેન્ડર વર્ષ એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર મહિનાના સમયગાળાને નાણાકીય વર્ષ તરીકે માનવામાં આવે છે. આગામી દિવસોમાં દેશમાં ટેક્સ માળખું ધરમૂળથી બદલાય તેવી સંભાવના છે. જીએસટીની અમલવારી એપ્રિલ-૨૦૧૭થી થાય તેવી શક્યતા છે. જીએસટીનની સામે રાજ્યના અને કેન્દ્રના કેટલાય સીધા તથા આડકતરા ટેક્સ નાબૂદ થશે. સમગ્ર દેશમાં એકસરખું ટેક્સમાળખું ઊભું થશે, જે પૂર્વે નાણાકીય વર્ષની ગણતરીની પદ્ધતિ પણ બદલાય તેવી શક્યતા કરવેરા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

You might also like