અેપ્રિલ પૂરો થવા અાવ્યો છતાં હજુય કેરીના ભાવ અાસમાને

કોઈ પણ વ્યક્તિને પ્રિય હો તેવી મીઠી મધુર કેરીના ભાવ એપ્રિલ માસ પૂરો થવા થઈ રહ્યો છે તો પણ હજુ કડવા બની રહ્યા છે. કેરી ખાવાના શોખીનોને કેરીની ખરીદી કરતી વખતે વિચાર કરવો પડે તેવી પરિસ્થિતિ છે. દર વર્ષે એપ્રિલ મહિનામાં કેસર સહિતની અન્ય જાતોની કેરીથી બજાર છલકાય છે. કેરીના ભાવ વાજબી અને દરેક વર્ગના લોકો ખરીદી શકે તેવા હોય છે. પરંતુ આ વર્ષે વાદળછાયા વાતાવરણ, માવઠું સહિતના કારણોસર કેરીની સિઝન હજુ સાચા અર્થમાં શરૂ થઈ નથી. એટલું જ નહીં પરંતુ કિલોના ભાવે વેચાતી કેરી હવે નંગ દીઠ વેચાઈ રહી છે. એક કેરીનો ભાવ નંગ દીઠ રૂ.૩૦થી ૪૦ રૂપિયા બોલાઈ રહ્યો છે.

કેરીના વેપારીઓના જણાવ્યા અનુસાર કેરીના ભાવ ગયા વર્ષની સરખામણીએ ૫૦થી ૬૦ ટકા વધારે છે. કેસર કેરીનો હાલનો ભાવ રૂ.૨૦૦ આસપાસ છે. તો કાચી કેસર કેરી પણ રૂ.૧૧૦૦ની દસ કિલો વેચાઈ રહી છે. આફૂસના ભાવ રૂ.૨૦૦થી ૨૫૦ પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે.

સૌથી વધુ ઉપાડ બજારમાં કેસર કેરીનો જ રહે છે. છેલ્લા દસ દિવસ દરમિયાન કેરીના ભાવમાં થોડો ઘટાડો થયા બાદ પણ હાલમાં કેસર કેરીનો પ્રતિ કિલોનો ભાવ રૂ.૨૦૦ છે. મે મહિનામાં કેરીના ભાવમાં થોડો ઘટાડો થશે તેવું વેપારીઓનું માનવું છે.

છેલ્લા ૨૦ વર્ષથી કેરીનો વેપાર કરતા નરેશભાઈ સિંધી જણાવે છે કે આ વર્ષે કેરીની આવક ઓછી છે. તેના કારણે કેરીના ભાવ ઊંચકાયા છે પરંતુ ફૂલ સિઝન શરૂ થયેથી પણ કેરીનો ભાવ ગત વર્ષની સરખામણીએ ૨૦થી ૩૦ ટકા વધારે રહેશે એટલું જ નહીં કેરીની સિઝનનો સમયગાળો પણ ૧૪ દિવસ ટૂંકો થશે. હાલમાં કેસર કેરી રૂ.૨૦૦ આફૂસ કેરી રૂ.૨૫૦થી ૩૦૦ લાલબાગ રૂ.૧૦૦થી ૧૦૦ના ભાવે વેચાણ થઈ રહી છે. આફૂસના ૨૨થી ૨૩ કિલોના બોક્સ દીઠ ભાવ રૂ.૨૦૦૦થી ૩૦૦૦ છે. જ્યારે ૧૦ કિલોના કેસર કેરીના બોક્સના ભાવ રૂ.૧૦૦૦ છે.

મોંઘવારીના કારણે કેરીની ખરીદીમાં પણ ઘટાડો છે. હજુ થોડા દિવસ પહેલા જ માવઠાના કારણે ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડી છે. જેના કારણે અત્યારે બજારમાં મંદીનો માહોલ છવાયો છે. કારણ ગમે તે હોય મીઠી મધુર કેરી ખાવા માટે સ્વાદ રસિયાઓએ તેમનાં બજેટ વધારવાં પડશે.

You might also like