એપ્રિલ એક્સપાયરી અને કંપનીનાં પરિણામો બજાર માટે મહત્ત્વનાં

ગઇ કાલે દિવસના અંતે બીએસઇ સેન્સેક્સ ૫૭.૦૯ પોઇન્ટને ઘટાડે ૨૯,૩૬૫.૩૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૭ પોઇન્ટને ઘટાડે ૯,૧૧૯.૪૦ પોઇન્ટને મથાળે બંધ જોવાઇ છે. સપ્તાહ દરમિયાન ગ્લોબલ ફેક્ટર સ્થાનિક શેરબજાર ઉપર હાવી રહ્યા હતા. અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ઊભા થયેલ તંગદિલીભર્યા માહોલના પગલે સ્થાનિક બજાર ઉપર પ્રેશર જોવાયું. ખાસ કરીને બેન્ક સ્ટોક્સમાં જોવાયેલા ઘટાડાની અસર શેરબજાર ઉપર નોંધાઇ હતી. આમ, સમગ્ર સપ્તાહ દરમિયાન શેરબજારમાં અનિશ્ચિતતાભર્યો માહોલ નોંધાયો.

આગામી સપ્તાહે એપ્રિલ એક્સપાયરી છે. તો વળી રિલાયન્સ, વિપ્રો, કોટક બેન્ક, મારુતિ, અંબુજા સિમેન્ટ સહિત કેટલીક અગ્રણી કંપનીઓનાં પરિણામ પણ આવનાર છે. બજારની નજર આ પરિણામો ઉપર રહેશે. બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ગઇ કાલે છેલ્લે બેન્ક નિફ્ટી ૨૧,૫૫૧ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ છે. જો ૨૧,૪૦૦ની સપાટીની નીચે બેન્ક નિફ્ટી જાય તો રોકાણકારોએ સાવધાની રાખવાની જરૂર છે. એ જ પ્રમાણે નિફ્ટી ૯૦૮૦ની સપાટી તોડે તો રોકાણકારોએ સાવધાની રાખવી જોઇએ.

નિફ્ટી અને બેન્ક નિફ્ટી કોન્સોલિડેશનના ફેઝમાં છે, જે સેન્ટિમેન્ટ આગામી સપ્તાહમાં પણ જોવાઇ શકે છે. જ્યારે નિફ્ટી ઉપરમાં ૯,૨૦૦ની સપાટી મહત્ત્વનું અવરોધ લેવલ છે. જો આ સપાટી તોડે તો નિફ્ટીમાં વધુ સુધારો નોંધાઇ શકે છે, પરંતુ શક્યતા ખૂબ જ ઓછી છે. આગામી સપ્તાહે બુધવારે એસ. ચાંદ એન્ડ કંપનીનો આઇપીઓ ખૂલી રહ્યો છે, જે શુક્રવારે બંધ થશે. જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહે બજારમાં બંને તરફની વધ-ઘટ જોવાઇ શકે છે.

http://sambhaavnews.com/

You might also like