આતંકવાદી હુમલાની દહેશતથી નર્મદા ડેમ ખાતે હાઇ એલર્ટ

રાજપીપલા : ૨૬મી જાન્યુઆરીએ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે અન્ન પુરવઠા મંત્રી દ્વારા ધ્વજવંદન થવાનું છે ત્યારે ૨૬મી જાન્યુઆરીએ આતંકવાદી હુમલાની દહેશતથી અગમચેતીના પગલાં રૂપે નર્મદા ડેમને હાઇએલર્ટ કરાયો છે અને સઘન સુરક્ષા વધારી દેવાઇ છે.

 

આગામી ૨૬મી જાન્યુઆરી નર્મદા બંધને કોઇ નુકસાન ન થાય તે માટે વડોદરા રેન્જ આઇજી અનુપસિંહ ગેહલોટે ડેમની મુલાકાત લઇ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, એસઆરપીના સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક યોજી નર્મદા બંધની કડક સુરક્ષા વધારવા તાકીદ કરી, જરૂરી સૂચનાઓ આપી હતી. નર્મદા બંધને હાઇ એલર્ટ કરી જિલ્લાની બોર્ડર ચેકપોસ્ટો ઉપર સઘન સુરક્ષા વધારી દેવાઇ છે.

 

હાલ તમામ સંવેદનશીલ પોઇન્ટ ઉપર આધુનિક હથિયારો સુધી રાત્રિ પેટ્રોલીંગ સઘન બનાવી દેવાયું છે, તેમજ ડેમ જોવા આવનાર પ્રવાસીઓના વાહનોનું ઘનિષ્ટ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જિલ્લામાં ઠેર ઠેર પરપ્રાંતિય વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમ ઉપર પહેલેથી આતંકવાદીઓની નજર છે, જેથી રેન્જ આઇજીએ જાતે ડેમની મુલાકાત લઇ જાત નિરીક્ષક કરી સુરક્ષા સઘન બનાવવાની સૂચના આપી દીધી છે.

 

અધિકારીઓ સાથે બેઠક કરી અલગ એકશન પ્લાન પણ ઘડી કાઢયો છે. જિલ્લા પોલીસ વડા બડગુજરના જણાવ્યાનુસાર નર્મદા ડેમ પર સીસી ટીવી કેમેરા લગાવવામાં આવશે. નર્મદા બંધના ૧૧ પોઇન્ટ ઉપર નાઇટવિઝન સીસી ટીવી કેમેરા મુકાશે બંને સાઇડની તમામ એન્ટ્રી પોઇન્ટો પર ઇલેકટ્રોનિક ડિટેકટ મુકાશે.

 

ઉપરવાસમાં સરોવરમાં પણ સ્પીડ બોટ સાથે પેટ્રોલીંગ કરાશે. ૨૦૦થી વધુ જવાનો હથિયાર સાથે તૈનાત કરાશે, ચેકિંગમાં પોઇન્ટ પણ વધારાશે. નર્મદા ડેમ પાસેના કેનાલ, ડેમના પાછળના ભાગે, સરદાર સરોવર રાત્રિ પેટ્રોલીંગ પણ વધારી દેવાયું છે, સાગબારા બોર્ડર ધનશેરી ચેકપોસ્ટ સઘન બનાવી દેવાઇ છે

You might also like