નાગરિકો RTOના ધક્કા ખાવા મજબૂર: એપોઇન્ટમેન્ટ ઓનલાઈન, પણ પેમેન્ટ ઓફ લાઇન!

અમદાવાદ: રાજ્યભરના વાહનચાલકો અને માલિકો માટે તેમનાં જૂનાં વાહનમાં એચએસઆરપી-હાઇસિકયોરિટી નંબર પ્લેટ લગાવવાનું ફરજિયાત કરાયું છે ત્યારે કાયદાનું પાલન કરનારા વાહનચાલકોને મુશ્કેલીઓ અટકવાનું નામ લેતી નથી. સરકારે જાહેર કરેલી સમયમર્યાદાની અંદર જૂની નંબર પ્લેટ બદલીને નવી નંબર પ્લેટ લગાવવા ઇચ્છુક વાહનચાલકો અને વાહન માલિકો સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન કર્યા પછી પેમેન્ટ કરવા આરટીઓનો ધરમધક્કો ખાવો પડે છે.

વાત આટલેથી અટકતી નથી. પેેમેન્ટ કર્યા પછી પણ નંબર પ્લેટ લગાવવા માટે બે દિવસ પછીનો ધકકો પણ ફરજિયાત રહે છે. તેેના કારણે મજબૂરીથી વાહનચાલકો ડીલરો પાસે ડબલ રકમ ચૂકવીને નંબર પ્લેટ લગાવવા મજબૂર બની રહ્યા છે.

નંબર પ્લેટ લગાવવા માટે આરસી બુક, રહેઠાણનો પુરાવો તેમજ આઇડી પ્રૂફ વગેરે દસ્તાવેજો ઓનલાઇન સબમિટ કર્યા પછી તેનું વેરિફિકેશન કરાવવું જરૂરી છે, પરંતુ વેરિફિકેશન કરાવવા જતાં વાહનમાલિકોને તે જ સમયે નંબર પ્લેટનું કામ પૂરું થઇ જતું નથી.

તેઓએ પહેલાં પેમેન્ટ કરવું પડે છે, ત્યાર બાદ આરટીઓમાં કાર્યરત એજન્સી કહી દે છે કે હવે તમને એસએમએસ કરીએ ત્યારે આવજો. જેથી નવી એચએસઆરપી લગાવનારાએ ફરજિયાત આરટીઓમાં બે વખત જવું પડે છે જેના કારણે લોકોની નારાજગી વધી રહી છે.

આરટીઓએ જાહેરાત કરી હતી કે કોઇ પણ વાહનચાલક જૂની નંબર પ્લેટ બદલવા આવે ત્યારે એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી. પરંતુ આરટીઓની જાહેરાતની ઐસીકી તૈસી કરીને એજન્સીઓ વાહનમાલિકને બીજો ધક્કો ખાવા મજબૂર કરી દે છે.

સરકારે એચએસઆરપી લગાવવાની મુુદતમાં ૧પ ફેબ્રુઆરી સુધીનો વધારો કર્યો છે. પરંતુ એજન્સીઓ તેમની કામગીરીનો સમય વધારવાને બદલે હજુ પણ સાંજે ૬-૦૦ વાગ્યે શટર પાડી દે છે. આ અંગે આરટીઓ જીએસ પરમારે જણાવ્યું હતું કે એચએસઆરપી લગાવવા આવનારા વાહનમાલિકોએ એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી. આ બાબતે પૂરતું ધ્યાન આપવામાં આવશે.

You might also like