રેલવે બોર્ડમાં નોકરી માટે અરજી કરવી પાંચ ગણી મોંઘી

અમદાવાદ: રેલવે બોર્ડમાં ૨૦ હજારથી વધુ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા આવી રહી છે. ત્યારે જુદાં જુદાં પદ માટે અરજી કરનાર ઉમેદવારોને હવે એપ્લિકેશન ફીમાં પાંચ ગણો વધારો ભરવાનો થતાં નારાજગી વ્યાપી છે. રેલવે ભરતી બોર્ડ રોતારાત રૂ.૧૦૦ની એપ્લિકેશન ફીમાં વધારો કરીને રૂ.૫૦૦ કરી દીધી છે.

જેના કારણે ઉમેદવારોને હવે રેલવે ભરતી બોર્ડમાં અરજી કરાવવાનું મોંઘું પડશે. એટલું જ નહીં હવે એક જ ઉમેદવાર દ્વારા જુદી જુદી પોસ્ટ માટે કરવામાં આવતી અરજીનો વિકલ્પ પણ આ વખતે બંધ કરી દેવાતાં ઉમેદવાર કોઈ એક જ પદ માટે એક જ એપ્લિકેશન કરી શકશે. વર્ષ ૨૦૧૮માં બહાર પડાયેલી જગ્યાઓ માટે રેલવે ભરતી બોર્ડ (RRB)ની પરીક્ષામાં સામેલ થવા માટે ઉમેદવારોએ ફી વધારો ચૂકવવો પડશે.

રેલવે દ્વારા આસિસ્ટન્ટ લોકો પાઇલટ, ટેકનિશિયન સહિતની અનેક જુદી જુદી પોસ્ટ માટે જાહેરાત કરાઈ છે. પરંતુ આ વખતે પહેલીવાર ઓનલાઈન એપ્લિકેશનમાં ભરતી બોર્ડ પદનો વિકલ્પ બંધ કર્યો છે. અત્યાર સુધી અરજદારો સમાન શૈક્ષણિક લાયકાત ધરાવતા જુદાં જુદાં પદ માટે અરજી કરતા હતા. પરંતુ આ વખતે ઓનલાઈન અરજી કર્યા બાદ એક ઓનલાઈન ટેસ્ટ લેવાશે. જેમાં પાસ થનારા ઉમેદવારો પાસેથી પદ માટે વિકલ્પ માટે મેસેજ અથવ ઈ મેઈલના માધ્યમથી પૂછવામાં આવશે.

એસસીએસટી કેટેગરીના અરજદારો પાસેથી પહેલા કોઈ પરીક્ષા ફી લેવાતી નહોતી. આ વર્ષે તેમની પાસેથી રૂ.૨૫૦ એપ્લિકેશન ફી લેવાશે. જે પછી રિફંડ અપાશે. પરંતુ જે અરજદાર પરીક્ષામાં ઉપસ્થિત રહેશે તેને જ રિફંડ મળશે. પરીક્ષા નહીં આપે તેને રૂ.૨૫૦ રિફંડ મળશે નહીં.

You might also like