ICUમાં બળાત્કારઃ અેપોલોના ડોક્ટર-સર્વન્ટની ધરપકડ

અમદાવાદ: શહેરના છેવાડે આવેલા ભાટ ગામ પાસે આવેલી એપોલો હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર લઇ રહેલી ૨૨ વર્ષની યુવતીએ હોસ્પિટલના ડૉ. રમેશ ચૌહાણ અને સર્વન્ટ સામે શારીરિક છેડછાડ અને બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે ગઇ મોડી રાત્રે અડાલજ પોલીસે આરોપી ડૉકટર અને સર્વન્ટની ધરપકડ કરી છે.

રવિવારે ડૉકટરે તથા સર્વન્ટે કોઇ બહાને આઇસીયુમાં યુવતીની એકલતાનો લાભ લઇ તેની પર બળાત્કાર ગુજાર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. અડાલજ પોલીસને આ બાબતે જાણ કરાતાં તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઇ હતી પરંતુ પોલીસ દ્વારા ઘટનાને દબાવવાનો પ્રયાસ કરાયો હતો. અડાલજ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.ડી. પંડ્યા દ્વારા ઘટના બાબતે કોઇ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી ન હતી. માત્ર ફરિયાદમાં જે કંઇ ઉલ્લેખ કરાયો છે તે જ જણાવ્યું હતું.

અમદાવાદમાં રહેતી એક યુવતીને થોડા દિવસ અગાઉ ડેન્ગ્યુ થયો હતો. ડેન્ગ્યુની અસર વધી જતાં યુવતીને ભાટ ગામ નજીક આવેલી એપોલો હોસ્પિટલમાં આઇસીયુ વોર્ડમાં ભરતી કરવામાં આવી હતી. ચાર દિવસથી આ યુવતી હોસ્પિટલના આઇસીયુ વોર્ડ નં.૯માં સારવાર લઇ રહી હતી. ડેન્ગ્યુના કારણે ગંભીર હોઇ તે અર્ધ બેભાન હાલતમાં હતી. ગઇ કાલે બપોરે યુવતીએ એક કાગળમાં પોતાની સાથે શારીરિક છેડછાડ અને બળાત્કાર થયો હોવાનું લખી તેના પરિવારજનોને જણાવ્યું હતું. પોતાની દીકરી સાથે આ રીતે ડોકટર અને વોર્ડ બોય દ્વારા વર્તન કરાયું હોઇ આ મામલે અડાલજ પોલીસને જાણ કરાઇ હતી. બનાવની ગંભીરતાને લઇ અડાલજ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો.

સૂત્રોનાં જણાવ્યા મુજબ યુવતીની હાલત નાજુક હોઇ તે બોલી શકતી નહોતી. પોતાની સાથે અજુગતું થયું હોવાનું લાગતાં તેણે આ બાબતે કાગળ પર લખી જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને લઇ મેજિસ્ટ્રેટ સામે પણ નિવેદન નોંધાવવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એપોલો હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં જ આ રીતે યુવતી સાથે દુષ્કર્મ થતાં હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો.

ફરિયાદ નોંધાતાં પોલીસે હોસ્પિટલમા ફરજ બજાવતા ડૉકટર રમેશ ભુરાલાલ ચૌહાણ (રહે. અમદાવાદ) અને સર્વન્ટ ચંદુભાઇ વણકર (રહે. ભાટ ગામ)ની ગત મોડી રાત્રે ધરપકડ કરી છે. આ બાબતે અડાલજ પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.ડી. પંડ્યાનો સંપર્ક થઇ શક્યો ન હતો. સૂત્રોના જણાવ્યા મુજબ આજે ડૉકટર અને સર્વન્ટની ધરપકડ બાદ તેઓની પૂછપરછ કરાશે અને સમગ્ર ઘટનાની માહિતી મેળવવામાં આવશે જોકે પોલીસ દ્વારા આ ઘટનાને દબાવવાનો ખૂબ જ પ્રયાસ કરાઇ રહ્યો છે.

દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં તાત્કાલીક ફરિયાદ લેવાની હોય તેની જગ્યાએ તેઓએ ફરિયાદ નોંધી જ ન હતી પરંતુ યુવતીના પરિવારજનોએ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા અંગેનું જણાવતાં પોલીસે છેવટે ફરિયાદ નોંધી હતી. હાલમાં યુવતીની મેડિકલ તપાસ માટે સેમ્પલ લઇ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યાં છે તેના રિપોર્ટ બાદ ખરેખર યુવતી સાથે દુષ્કર્મ થયું છે કે કેમ તે અંગેની જાણ થશે.

You might also like