અન્ય રમતોમાં પણ લોઢા સમિતિની ભલામણો કેમ લાગુ ન થવી જોઈએ?

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે બીસીસીઆઇમાં વહીવટી સુધારા માટે રચાયેલી લોઢા સમિતિની ભલામણોને અન્ય રમત સંસ્થાઓમાં પણ શા માટે લાગુ ના કરવી જોઈએ? ટોચની અદાલતે આ મુદ્દે અર્જુન પુરસ્કાર વિજેતા ખેલાડીઓ દ્વારા દાખલ કરવામાં જનહિત અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર સરકારને આ સવાલ પૂછ્યો છે. અરજી દાખલ કરનારાઓમાં ભૂતપૂર્વ હોકી ખેલાડી અશોકકુમાર પણ સામેલ છે.

ન્યાયમૂર્તિ જગદીશસિંહ ખેહર, ન્યાયમૂર્તિ એન. વી. રામાના અને ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડની ખંડપીઠે અરજી પર કેન્દ્ર સરકારની પ્રતિક્રિયા માગી છે. આ અરજી પર નોટિસ આપતા ખંડપીઠે આને બીસીસીઆઇનો મુદ્દો પણ બતાવ્યો છે. આ ઉપરાંત અદાલતે ભારતીય ઓલિમ્પિક સંઘ (આઇઓએ) અને ભારતીય રમત સંઘ (સાઇ)ને પણ આ મામલામાં નોટિસ પાઠવી છે.

એથ્લેટિક્સ, હોકી, ક્રિકેટ અને અન્ય રમતોના જાણીતા ખેલાડીઓએ માગણી કરી છે કે લોઢા સમિતિની કેટલીક ભલામણોને અન્ય રમત સંઘમાં પણ લાગુ કરવી જોઈએ. અશોકકુમાર ઉપરાંત અરજીકર્તાઓમાં એમ. કે. કૌશિક, અશ્વિની નાચપ્પા, ગુરબક્ષસિંહ ગ્રેવાલ, બલબીરસિંહ ગ્રેવાલ, બિશનસિંહ બેદી, કીર્તિ આઝાદ, જોકિમ કારવાલ્હો, વંદના રાવ, નિશા મિલેટ અને પ્રવીણ થિપ્સે સામેલ છે. આ અરજીમાં રાષ્ટ્રીય રમત વિકાસ અધિનિયમમાં ફેરફાર કરી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી લોઢા સમિતિની ભલામણોને લાગુ કરવાની વાત કહેવામાં આવી છે.

ભૂતપૂર્વ ખેલાડીઓનું કહેવું છે કે લોઢા સમિતિની ભલામણોની રમતના વહીવટમાં મોટા પ્રમાણમાં જરૂર છે, જેથી રાષ્ટ્રીય રમત સંઘમાં પારદર્શકતા લાવી શકાય. અરજીકર્તાઓએ કોર્ટને જણાવ્યું, ”રાષ્ટ્રીય રમત મહાસંઘમાં સારા વહીવટનો સીધો સંબંધ ભારતમાં રમતોના વિકાસ સાથે જોડાયેલો છે. સાથે જ આનો સંબંધ ખેલાડીઓના પ્રદર્શનમાં સુધારા સાથે પણ જોડાયેલો છે.”

અરજીમાં કહેવામાં આવ્યું છે કે રમતોના વહીવટી કામકાજમાં તાત્કાલિક સુધારો કરવાની જરૂર છે. રમતોમાં વહીવટનો મામલો સત્તાની રમતનો બની ગયો છે, જ્યાં પૈસા અને પ્રભાવનો જબરદસ્ત ઉપયોગ કરવામાં આવે છે. જે લોકો કોઈ પણ સ્તર પર તેઓને કાં તો પ્રતિનિધિત્વ મળતું નથી અને કદાચ મળી પણ જાય તો નામ પૂરતું જ હોય છે. જે રીતે સુપ્રીમ કોર્ટે લોઢા સમિતિ દ્વારા ક્રિકેટમાં સુધારા કર્યા એવું જ કામ અન્ય રમતોમાં પણ થવું જોઈએ, કારણ કે સુપ્રીમ કોર્ટે ક્રિકેટની સાફ-સફાઈના કામને પોતાના હાથમાં લીધું. હવે ક્રિકેટના વહીવટમાં ઘણો ફેરફાર આવી રહ્યો છે. જ્યાં સુધી આ જ પ્રકારનું કામ અન્ય રમતોમાં નહીં કરવામાં આવે ત્યાં સુધી એવી રમતોમાં પરિસ્થિતિ બદલાવાની નથી.
http://sambhaavnews.com/

You might also like