બધાંને સાથે લઈને ચાલવું પડે છેઃ અનુષ્કા શર્મા

ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી અભિનયના ક્ષેત્રે આવનારી અનુષ્કા શર્મા પ્રોડ્યૂસર પણ બની ચૂકી છે. તેને પહેલો બ્રેક એક ફેશન વીકમાં મળ્યો હતો. તે મોડલ બનીને જ સંતુષ્ટ હતી, પરંતુ એક દિવસ તેને યશરાજ બેનરનો ફોન આવ્યો તો તે દિલ્હીથી મુંબઇ પહોંચી ગઇ.

યશરાજના એક ઓડિશનમાં તેને ચાન્સ અને ત્રણ ફિલ્મોનો કોન્ટ્રાક્ટ મળ્યો. તેની સાથે તેની જિંદગી બદલાઇ ગઇ. તેને પુછાયું કે જો તેને સુપર પાવર મળે તો તે શું કરવા ઇચ્છશે? અનુષ્કાએ કહ્યું કે તે ટ્રુ સેન્સ ઓફ ફ્રીડમને બદલવા ઇચ્છે છે.

જે લોકો પોતાની જાતને સૌથી વધુ બુદ્ધિશાળી સમજે છે અને બીજાને નહીં, તેનું જીવન તણાવપૂર્ણ થઇ જાય છે. જો તેઓ પોતાના વિચાર બદલે તો તે ખુશ રહેવાની સાથે બીજાને પણ ખુશ કરી શકે છે.

અનુષ્કા પોતાની કરિયરમાં ધીમે ધીમે સફળતાની સીડીઓ ચડી અને આજે સફળતાનાં શિખર પર બિરાજમાન છે. તેને ઘણા એવોર્ડ મળી ચૂક્યા છે. ૨૦૧૦માં ‘રબ ને બના દી જોડી’ માટે બેસ્ટ ફીમેલ ડેબ્યૂનો એવોર્ડ અને ત્યારબાદ ૨૦૧૧માં તેને ‘બેન્ડ બાજાં ઔર બારાત’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો.

તે વિરાટ કોહલીને એક એડ્.ના શૂટિંગ દરમિયાન મળી. ધીમે ધીમે બંને નજીક આવ્યાં અને ૨૦૧૭ના ડિસેમ્બરમાં લગ્ન પણ કરી લીધાં. અભિનેત્રી ઉપરાંત નિર્માત્રી બનીને અનુષ્કાએ ઘણી ફિલ્મો બનાવી છે. તે કહે છે કે તેને નિર્માતા બનવાની ઇચ્છા પહેલાં ન હતી.

સમયની સાથે તે ઇચ્છા જન્મી. તે કહે છે કે અભિનેત્રી હોઇએ ત્યારે વધુ જવાબદારી હોતી નથી. જ્યારે તમે ખુદ નિર્માતા બની જાઓ છો ત્યારે જવાબદારી વધે છે. તમારે તમામ નિર્ણય લેવા પડે છે. બધાંને સાથે લઇને ચાલવું પડે છે. •

You might also like