ફિક્સિંગમાં દસ વર્ષની સજાનો પ્રસ્તાવ મૂકતાં અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ ભાજપના સાંસદ અને બીસીસીઆઇના ભૂતપૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે એક ખાનગી વિધેયકમાં મેચ ફિક્સિંગ માટે ઓછામાં ઓછી ૧૦ વર્ષની સજા અને મામલામાં સંડોવાયેલી રકમનો પાંચ ગણો દંડ લગાવવાની જોગવાઈઓનો પ્રસ્તાવ મૂક્યો છે. આ બિનસરકારી વિધેયક સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરાય તેવી શક્યતા છે.

આ વિધેયકમાં પ્રસ્તાવ છે કે આવી અનિયમિતતાઓના મામલાને રોકવા માટે રમત સંઘો માટે એક નિયામક સંસ્થાની રચના કરવામાં આવે, જેની પાસે એક દીવાની કોર્ટ જેટલા અધિકાર હોય. ઠાકુરે આ વિધેયકમાં પ્રસ્તાવ રાખ્યો છે કે બધા રમત સંઘો ડોપિંગ, મેચ ફિક્સિંગ, ઉંમર સંબંધી ગેરરીતિ, મહિલાઓનું યૌન શોષણ અને રમતોમાં અન્ય અનૈતિક આચરણોનાં મામલામાં પ્રસ્તાવિત રાષ્ટ્રીય રમત આચરણ આયોગને રિપોર્ટ કરેશે.

વિધેયક અનુસાર આયોગમાં સુપ્રીમ કોર્ટ કે કોઈ હાઈકોર્ટના ચાર નિવૃત્ત ન્યાયાધીશોની સાથે છ સભ્ય હશે અને ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા કરીને સભ્યોની નિમણૂક કરાશે. વિધેયકમાં ખેલાડીઓ અને તેના કોચ – બંનેની તમામ રીતની અનિયમિતતાઓ માટે કડક સજા અને દંડની જોગવાઈઓનો પ્રસ્તાવ છે. વિધેયક અનુસાર મેચ ફિક્સિંગ માટે દોષી ઠરવા પર કોઈ પણ વ્યક્તિને જેલની સજા કરાશે, જે દસ વર્ષથી ઓછી નહીં હોય અને દંડ પણ ફટકારાશે, જે મેચ ફિક્સિંગમાં સામેલ રકમનો પાંચ ગણો હશે.

વિધેયકના મુસદ્દા અનુસાર આયોગ કોઈ પણ રમતમાં કોઈ પણ રીતની ગેરરીતિ પર જાતે જ નિર્ણય લઈ શકે અને કોચ, સંબંધિત ખેલાડી કે રમત સંઘના સભ્યોને પણ તપાસ માટે બોલાવી શકે છે. પોતાના અંગત વિધેયકનો ઉદ્દેશ જણાવતા અનુસાર ઠાકુરે કહ્યું, ”ભારતીય કાયદામાં એવી કોઈ જોગવાઈ જ નથી, જે મેચ ફિક્સિંગ અને આવા અન્ય ગુનાઓને ખાસ ગુનાઇત કાયદા હેઠળ લાવતું હોય.”

You might also like