અમે BCCIમાં સુધારાઓથી ભાગી નથી રહ્યાઃ અનુરાગ

નવી દિલ્હીઃ બીસીસીઆઇના સચિવ અનુરાગ ઠાકુરે બોર્ડમાં સુધારા લાવવા માટે જસ્ટિસ લોઢા સમિતિની ભલામણો લાગુ કરવા માટે એક મહિનાના અલ્ટિમેટમ અંગે કહ્યું કે અમે સુધારાઓથી ભાગી નથી રહ્યા અને બોર્ડમાં બધું જ ખોટું નથી ચાલી રહ્યું. ઠાકુરે ગઈ કાલે ભારતીય ટીમની જાહેરાત બાદ સુપ્રીમ કોર્ટની લોઢા સમિતિની ભલામણો લાગુ કરવાની િટપ્પણી અંગે પુછાયેલા સવાલના જવાબમાં કહ્યું, ”મને યાદ છે કે ૧૯૮૩નો વિશ્વકપ જીત્યા બાદ બોર્ડની પાસે ખેલાડીઓને આપવા માટે નાણાં નહોતાં, પરંતુ પાછલાં ૩૦ વર્ષમાં અમે ખેલાડીઓ માટે ઘણું બધું કર્યું છે. આજે ભારતીય ક્રિકેટ બોર્ડ દુનિયાનાં ધનવાન બોર્ડમાંનું એક છે. કમસે કમ આની પ્રશંસા તો કરવી જ જોઈએ. અમે પારદર્શકતા અને જવાબદારીથી દૂર ભાગી નથી રહ્યા. અમે સુધારાઓ માટે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે. અમે અમારા બધાં રાજ્ય એકમોને લોઢા સમિતિનો અહેવાલ મોકલ્યો છે અને તેઓને પોતાનાં સૂચનો મોકલવા જણાવ્યું છે.”

પત્રકારો સાથેની વાતચીતમાં અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે, ”આ અંગે સાત ફેબ્રુઆરીએ અમારી કાયદા સમિતિની બેઠક યોજાવાની છે, જેમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં અમારી સામાન્ય બેઠક પણ યોજાવાની છે, જેમાં અમે સુધારાને લગતા તમામ મુદ્દાઓની ચર્ચા કરીશું. હું તમને વિશ્વાસ અપાવવા ઇચ્છું છું કે અમે સુધારાને લઈને યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ. આ મુદ્દે આગામી સુનાવણીમાં અમે અમારા તર્ક રજૂ કરીશું.” જ્યારે ઠાકુરને પૂછવામાં આવ્યું કે શું ભૂતપૂર્વ અધ્યક્ષ એન. શ્રીનિવાસનના સમયે કરવામાં આવેલી ભૂલોનું નુકસાન બોર્ડ ભોગવી રહ્યું છે? ત્યારે અનુરાગે કહ્યું, ”જો એ સમયે આ બધું ના થયું હોત તો આજે આ સ્થિતિ ના હોત.”

You might also like