અનુરાગ ઠાકુરે સરકારને પૂછ્યુંઃ ક્રિકેટમાં સટ્ટાબાજી કાયદેસર થશે?

નવી દિલ્હીઃ લોકસભામાં ગઈ કાલે પ્રશ્નકાળ દરમિયાન બીસીસીઆઇના અધ્યક્ષ અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે સરકારને પૂછયું કે શું અન્ય ઘણા દેશની જેમ ભારતમાં ક્રિકેટમાં સટ્ટાબાજીને કાયદેસર કરવાનો કોઈ વિચાર છે? આના જવાબમાં રમતગમત પ્રધાન વિજય ગોયલે કહ્યું કે સટ્ટાબાજી રમતોમાં જ નહીં, બલકે ઘણાં ક્ષેત્રોમાં થાય છે અને જે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે તો રમતોમાં પણ સટ્ટાબાજી અટકી જશે.

રમત સાથે સંકળાયેલા એક પ્રશ્ન દરમિયાન પૂરક પ્રશ્ન પૂછતાં ઠાકુરે કહ્યું કે શું સરકાર ક્રિકેટમાં મેચ ફિક્સિંગને રોકવા માટે કોઈ કડક કાયદો લાવવા તૈયાર છે? બોર્ડ અધ્યક્ષ એવું પણ પૂછ્યું હતું કે સટ્ટાબાજી એક મોટો વિષય છે. ઘણા દેશમાં સટ્ટાબાજીથી મળતાં નાણાં સરકાર વિકાસ કામમાં વાપરે છે. શું ભારતમાં સટ્ટાબાજીને કાયદેસર બનાવવાનો કોઈ વિચાર છે ખરો?

અનુરાગ ઠાકુરે કહ્યું, ”સટ્ટાબાજી જેના માટે ફક્ત દસ દિવસની જેલ હોય છે, શું રમત મંત્રાલય સટ્ટાબાજીને કાયદેસર બનાવવા માટે કોઈ પગલાં ભરી રહ્યું છે? જે રીતે ઘણા દેશમાં સટ્ટાબાજીનાં માધ્યમથી લાખો-કરોડો રૂપિયા એકઠા થાય છે અને સરકાર પાસે આવ્યા બાદ તે નાણાં વિકાસ કામમાં લગાવવામાં આવે છે. શું ભારતમાં આવું થવાનું છે? દેશમાં ક્રિકેટ એવી જ રમત છે, જેણે કેન્દ્ર કે રાજ્ય સરકાર પર ક્યારેય બોજ નથી નાખ્યો. ક્રિકેટ સંઘોએ પોતાનાં સ્ટેડિયમ બનાવ્યાં છે અને ભારતે ઘણા વિશ્વ કપ જીત્યા છે.”

ઠાકુરને જવાબ આપતાં રમતગમત પ્રધાન વિજય ગોયલે કહ્યું, ”ક્રિકેટ સંઘો પાસે બહુ નાણાં હોય તો આખા દેશમાં મોટાં મોટાં સ્ટેડિયમોના સ્થાને નાનાં-નાનાં સ્ટેડિયમ ક્રિકેટ રમવા માટે બનાવે, જેથી રમતોને ફાયદો થશે અને સરકાર પણ તેનો ઉપયોગ કોઈ અન્ય રમત માટે કરી શકે. જ્યાં સુધી મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજીની વાત છે તો એ ફક્ત રમતોમાં જ નહીં, બલકે ઘણાં ક્ષેત્રોમાં છે. અમે આ અંગે વિચારણા કરીશું.”
http://sambhaavnews.com/

You might also like