અનુરાગ હિમાચલ પ્રદેશના કેપ્ટન તો બની ગયા, પરંતુ ખાતું પણ ખોલાવી ના શક્યા

નવી દિલ્હીઃ બીસીસીઆઇના નવા અધ્યક્ષ અનુરાગ ઠાકુરને લોકો ભાજપના નેતા તરીકે ઓળખે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે અનુરાગ ઠાકુર ક્રિકેટર પણ રહી ચૂક્યા છે. આ સાથે બીસીસીઆઇ હવે દાવો કરી શકે છે કે બોર્ડના અધ્યક્ષ અેક ભૂતપૂર્વ ક્રિકેટર પણ છે.

ગઈ કાલે બીસીસીઆઇના બિનહરીફ અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા અનુરાગ અગાઉ ૨૫ વર્ષની ઉંમરે હિમાચલ પ્રદેશ ક્રિકેટ સંઘના સૌથી યુવાન અધ્યક્ષ બન્યા હતા. હિમાચલમાં તેમને પિતા પ્રેમકુમાર ધુમલના પ્રભાવનો ફાયદો મળ્યો હતો. અનુરાગ પ્રથમ શ્રેણીની મેચ રમવા ઇચ્છતા હતા અને અધ્યક્ષ હોવાને કારણે તેણે વર્ષ ૨૦૦૦-૦૧ની સિઝનમાં મેચ રમવાનો નિર્ણય કરી લીધો. તેઓ હિમાચલ પ્રદેશ તરફથી જમ્મુ-કાશ્મીરની ટીમ વિરુદ્ધ રમ્યા. આ તેમની કરિયરની એકમાત્ર પ્રથમ શ્રેણીની મેચ હતી અને ટીમનું નેતૃત્વ પણ સંભાળ્યું. મેચમાં તેઓ માંડ સાત બોલનો સામનો કરી શક્યા અને ખાતું ખોલાવ્યા વિના પેવેલિયનમાં પાછા ફર્યા, જોકે તેમની ઓફ સ્પિન બોલિંગમાં જમ્મુ-કાશ્મીરના બે પૂંછડિયા બેટ્સમેન જરૂર આઉટ થયા હતા.

અનુરાગ પર પ્રથમ શ્રેણી ક્રિકેટરનું લેબલ લાગી ચૂક્યું હતું. તેઓ વર્ષ ૨૦૦૧-૦૨થી ૨૦૦૪-૦૫ સુધી રાષ્ટ્રીય જુનિયર પસંદગીકાર પણ રહી ચૂક્યા છે. હિમાચલની ટીમ ભલે ઘરેલુ ક્રિકેટમાં નબળી રહી હોય, પરંતુ અનુરાગનું વર્ચસ્ બીસીસીઆઇમાં દિવસે દિવસે વધતું રહ્યું.

અનુરાગે શિક્ષણ જાલંધરમાં લીધું. એ દરમિયાન પંજાબની અંડર-૧૬ ટીમની કેપ્ટનશિપ કરતા તેમણે પંજાબને વિજય મર્ચન્ટ ટ્રોફી પણ અપાવી હતી. અનુરાગે પંજાબ અંડર-૧૯ ટીમનું પણ પ્રતિનિધિત્વ કર્યું. આ ઉપરાંત ઉત્તર ક્ષેત્રની અંડર-૧૯ ટીમનું નેતૃત્વ સંભાળતા તેમણે ઓલ ઇન્ડિયા ચેમ્પિયનશિપની ટ્રોફી પણ ટીમને અપાવી હતી.

૧૭ વર્ષ બાદ કોઈ ક્રિકેટર અધ્યક્ષ બન્યો
અનુરાગ ઠાકુર ૧૯૯૮-૯૯માં રાજસિંહ ડુંગરપુર બાદ પ્રથમ શ્રેણી ક્રિકેટરમાંથી બીસીસીઆઇ અધ્યક્ષપદ પર બિરાજેલી પ્રથમ વ્યક્તિ છે, જોકે મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે થોડા સમય માટે એક અન્ય ટેસ્ટ ક્રિકેટર શિવલાલ યાદવ સાથે મળીને બીસીસીઆઇનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું, પરંતુ એ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શક્ય બન્યું હતું.

You might also like