ગાંધીનગરના થિએટરમાં તોડફોડ કરનાર 7 ઈસમોની પોલીસે કરી ધરપકડ

ગાંધીનગરના મલ્ટીપ્લેક્સમાં શુક્રવારે કેટલાક અસામાજીક તત્વોએ તોડફોડ કરી હતી. આ મામલે હવે SOG પોલીસે 7 શખ્સોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના 11 સેક્ટરમાં આવેલા મલ્ટિપ્લેક્સ થિએટરમાં શુક્રવારે કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી.

લગભગ ચારેક શખ્સો મોંઢે રૂમાલ બાંધી મલ્ટિપ્લેક્સમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં આ શખ્સોએ જ્વલનશીલ પદાર્થ નાખી થિએટરમાં આગ લગાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ થોડી ઘણી ભાગદોડ મચી ગઈ હતી.

આ મામલે પોલીસે CCTV ફૂટેજ હાથ ધરી તપાસ શરૂ કરી હતી અને હવે પોલીસે આ મામલે સાત ઈસમોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ શખ્સોએ થિએટરમાં કયા કારણોસર તોડફોડ કરી હતી, તે જાણવાનો પોલીસ પ્રયત્ન કરી રહી છે.

રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ફિલ્મ પદ્માવતનો વિરોધ થઈ રહ્યો છે. જેના પગલે કરણી સેના દ્વારા અનેક જગ્યાએ થિએટરોમાં તોડફોડ કરવામાં આવી છે. જો કે આ કાર્યકરો કરણીસેનાના માલૂમ પડ્યા નથી, પરંતુ પોલીસ પૂછપરછ કરી રહી છે.

You might also like