આતંકના ખાતમા સુધી ઓપરેશન ઓલઆઉટ જારી જ રહેશેઃ સાહી

શ્રીનગર: સીઆરપીએફના આઈજી રવિદીપસિંહ સાહીએ ગઈ કાલે શ્રીનગર ખાતે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં જ્યાં સુધી આતંકવાદનો પૂરેપૂરો ખાતમો થઈ ન જાય ત્યાં સુધી ઓપરેશન ઓલઆઉટ ચાલુ રહેશે. આ અભિયાન હેઠળ આ વિસ્તારમાં અનેક કમાન્ડરો માર્યા જતાં હતાશ થયેલા આતંકીઓ હવે દક્ષિણ કાશ્મીરમાં કાર્યકરોને નિશાન બનાવી રહ્યા છે.

શ્રીનગરમાં સ્થાનિક યુવાનો માટે શરૂ કરવામાં આવેલી ફૂટબોલ સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા આવેલા સીઆરપીએફના આઈજી સાહીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ આતંકીઓ અત્યંત દબાણમાં છે. તેથી આતંકવાદીઓ સામે ઓપરેશન ઓલઆઉટ સતત ચાલુ રહેશે. આ અભિયાન હેઠળ વિવિધ વિસ્તારોમાંથી આંતકીઓને જી‌િવત કે મૃત પકડવા માટે નાકાબંધી કરી તપાસ અભિયાન (કાસો) પણ ચાલુ જ રાખવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આવું અભિયાન ચાલતું હોવાથી આતંકવાદીઓને તેમના અડ્ડા બનાવવાની તક મળતી નથી. તેના કારણે આ વિસ્તારમાં રહેતા લોકોમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના ઊભી થાય છે. કાનૂન અને શાંતિ વ્યવસ્થા જાળવી રાખવામાં પણ મદદગાર સાબિત થાય તેમ છે. તેના કારણે આતંકવાદી પ્રવૃત્તિઓ પર અંકુશ આવી શકશે. શોપિયામાં ચલાવવામાં આવેલા તપાસ અભિયાન અંગે તેમણે જણાવ્યું કે કોઈ પણ અભિયાન કોઈ આધાર વિના ચલાવવામાં આવતું નથી. ગુપ્તચર વિભાગની સૂચનાથી જ આ અભિયાન ચલાવવામાં આવ્યું છે.

આતંકીઓ દ્વારા તાજેતરમાં ભાજપના એક કાર્યકરની હત્યા તેમજ સોપોરમાં એક ગ્રામીણની ગોળીઓથી વિંધેલી લાશ મળવાના મુદ્દે સાહીએ જણાવ્યું કે આ વર્ષે અનેક કમાન્ડરો સહિત ૧૭૦થી વધુ આતંકવાદી માર્યા ગયા છે અને લોકો પણ હવે પહેલાંની જેમ આતંકીઓને સહકાર આપતા નથી. તેથી આતંકીઓ હતાશ થઈ ગયા છે અને તેથી લોકોને ડરાવવા માટે આતંકીઓ આ રીતે હત્યાનો આશરો લઈ રહ્યા છે, પરંતુ લોકોમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના ઊભી કરવા પોલીસ, સીઆરપીએફ અને અન્ય સુરક્ષા અેજન્સીઓએ પણ સક્રિયતા દાખવી કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત સંબંધિત વિભાગો દ્વારા સતત આ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામા આવી રહી છે.

You might also like