એસીબીનું મેગા ઓપરેશન પાંચ અધિકારીઓ પર દરોડા

અમદાવાદ: એન્ટીકરપ્શન બ્યૂરો (એસીબી)એ અાજે સવારથી કેટલાક ટોચના સરકારી અધિકારીઓના નિવાસસ્થાન પર સામૂહિક દરોડા પાડતાં સમગ્ર રાજ્યમાં મોટી ચકચાર મચી ગઈ છે. લાંચ રુશ્વત વિરોધી ખાતાના ઉચ્ચસ્તરિય સૂત્રોનાં જણાવ્યા અનુસાર અા અંગેની વિગત એવી છે કે છેલ્લા ઘણા સમયથી એસીબી બેનામી સંપત્તિ ધરાવતા સરકારી અધિકારીઓની માહિતી મેળવી રહ્યું હતું. અાજે અા માહિતીના અાધારે મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરતાં ખળભળાટ મચી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે એસીબી છેલ્લા થોડા સમયથી સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવા માટે ઓપરેશન હાથ ધરીને અાગળ વધી રહ્યું છે. અા ઓપરેશન હેઠળ સવારથી જ ગુજરાતભરનાં મોટાં શહેરોમાં મેગા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું છે. અા લખાય છે ત્યાં સુધીમાં મોટા પાયે બેનામી સંપતિનો ખુલાસો થયો હોવાનું એસીબીના સૂત્રોએ જણાવ્યું છે.

ગુજરાત એસીબી દ્વારા આજે વહેલી સવારથી અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા સહિતનાં સ્થળોએ તાલુકા પંચાયતના અધિકારી તેમજ વિવિધ અધિકારીઓના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ એસીબીએ પાંચ જેટલા અધિકારીઓના ત્યાં પ૦ જેટલા અધિકારીઓની ટીમ બનાવીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન ૧પ કરોડની મિલકત જપ્ત કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

એન્ટિકરપ્શન બ્યૂરોને બાતમી મળી હતી કે અમદાવાદ, વડોદરા, સુરત તેમજ ગાંધીનગરના કેટલાક અધિકારીઓ પાસે બેનામી સંપત્તિ છે, તેના આધારે ગુજરાત એસીબીએ પ૦ જેટલા અધિકારીઓની ટીમ બનાવી વિવિધ સ્થળોએ આજે વહેલી સવારે મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

મળતી માહિતી મુજબ વડોદરાના વાઘોડિયા તાલુકાના ડેપ્યુટી ઇજનેરના ત્યાં પણ એસીબીએ દરોડા પાડ્યા છે. આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓના ત્યાંથી કરોડોની બેનામી સંપત્તિ મળી આવે તેવી શક્યતા એસીબીના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. એસીબી દ્વારા વિવિધ સ્થળોઅે દરોડા પાડવામાં આવતાં અધિકારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

You might also like