ટીડીઓ, સર્કલ ઓફિસર અને મહિલા તલાટી લાંચ લેતાં રંગેહાથ ઝડપાયાં

અમદાવાદ: લાંચ-રુશવત વિરોધી બ્યૂરોએ જુદાં જુદાં શહેરોમાં છટકાં ગોઠવી એક તાલુકા વિકાસ અધિકારી, સર્કલ ઓફિસર, એક મહિલા તલાટી અને તેમના પતિને લાંચ લેતાં રંગેહાથ ઝડપી લઈ અા તમામ વિરુદ્ધ ગુના દાખલ કરી સઘન કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે અમરેલી નજીક અાવેલ ખાંભાના તાલુકા વિકાસ અધિકારી મોસમસિંહ રાવે રબારીકા ગામના સરપંચ વાલજી નાગજી સેજલિયા પાસે પંચાયતના કોન્ટ્રાક્ટ કામના બિલ મંજૂર કરવા રૂ. અઢી લાખની માગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે રૂ. ૫૦ હજારની રકમ લેવાનું નક્કી થયું હતું. અા અંગે એસીબીમાં ફરિયાદ કરવામાં અાવતાં એસીબીએ છટકું ગોઠવી તાલુકા વિકાસ અધિકારીને રૂ. ૫૦ હજારની લાંચ સ્વીકારતાં ઝડપી લીધા હતા.

થરાદ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર હમીરભાઈ પટેલે વામી ગામના એક ખેડૂતની જમીનની કાચી નોંધ પાકી કરાવવાના બદલામાં તેના વચેટિયા મારફતે રૂ. ૩ હજારની લાંચ માગી હતી, જે લાંચની રકમ સ્વીકારતાં સર્કલ ઓફિસર અને તેમનો વચેટિયો એસીબીના છટકામાં ઝડપાયા હતા.

અા ઉપરાંત રાજુલાના કોટડા ગામનાં તલાટી-કમ-મંત્રી સ્મિતાબહેન જાનીએ અા જ ગામના રહીશ ચાતુભાઈ પાંચાભાઈ પાસે મકાન સહાયનો છેલ્લો હપ્તો ચૂકવવા માટે રૂ. ૭ હજારની લાંચની માગણી કરતાં તેમને અા રકમ સ્વીકારતાં અેસીબીએ ઝડપી લઈ અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like