સર્વજીવહિતાવહઃ શિક્ષાપત્રી ગ્રંથનું અનેરું માહાત્મ્યમ્

વસંત પંચમી એટલે શુભ કાર્ય માટેનો પરમ પવિત્ર દિવસ. આ દિવસ એ પ્રકૃતિની અનુપમ ભેટ છે. જેને લઇ ગીતામાં ઋતુના કુસુમાકર ા અર્થાત્ વસંતને ફૂલોની ઋતુ રાણી કહી છે. જેમ વસંત ઋતુ નિસર્ગને નવપલ્લિત કરે છે તેમ મનુષ્ય જીવનને શિક્ષાપત્રની નવપલ્લિત કરે છે. આ શિક્ષાપત્રીની રચના શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં મહા સુદ પંચમીના રોજ સંવત ૧૮૮રમાં વડતાલમાં કરી છે.
જેમ શ્રીકૃષ્ણે ગીતા કરેલી છે તેવી રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીના માટે અને વિશ્વપટ પર શ્વાસ લેતા, દરેક માનવ માટે શિક્ષાપત્રીની રચના કરેલી છે. ગીતાજી મહાભારતના ભીષ્મ પર્વોમાં તે ૭૦૦ શ્લોકમાં પથરાયેલ છે. જ્યારે શિક્ષાપત્રી તો સત્સંગિજીવનમાં ચોથા પ્રકરણમાં માત્ર ર૧ર શ્લોકમાં સમાયેલ છે.
શિક્ષાપત્રી એટલે… શિક્ષા એટલે હિતનો ઉપદેશ અને પત્રી એટલે પોતાનો અભિપ્રાય જેનાથી અન્ય સ્થળે પહોંચાડી શકાય તે સાધન. અર્થાત્ શિક્ષાપત્રી એટલે હિતનો ઉપદેશ આપતો પત્ર-લેખ. મનુષ્યોએ પોતાનું જીવન કેવી રીતે જીવવું તેનો માર્ગ દેખાડી આપતું અણમોલ શાસ્ત્ર. આ શિક્ષાપત્રીના ર૧ર શ્લોકમાં હિંદુસ્તાનના ફોજદારી કાયદાની પ૧૧ કલમોનો સમાવેશ થઇ જાય છે. જે માણસ આ શિક્ષાપત્રી મુજબ બને તે ઇન્ડિયન પિનલ કોડની કોઇ કલમનો ભંગ કરતો નથી. ર૧ર શ્લોકમાં તો સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને ગાગરમાં સાગર ભરી દીધો છે. તેેથી જ આવી અણમોલ શિક્ષાપત્રી આજે ગુજરાતમાં ગરીબોનાં નાનાં ઝૂંપડાંમાંથી માંડીને વિદેશમાં પણ ઘેર-ઘેર વંચાય છે.
સરદાર વલ્લભભાઇ પટેલ કહે છે. કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી પ્રમાણે સમાજ
વર્તે તો દેશમાંથી પોલીસ થાણા તથા સર્વ પ્રકારની કોર્ટો ઉઠાવી લેવી પડે. આ શિક્ષપત્રી ઉપર ખુદ શ્રી સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યા છે. ‘‘આ જે શિક્ષાપત્રી તે અમારું સ્વરૂપ છે. માટે તેને પરમ આદર થકી માનવી. અને જે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચે પામશે.’’ માટે આ અમારા આશ્રિતે આ શિક્ષાપત્રીનો નિત્ય પાઠ કરવો અને જેને વાંચતાં ન આવડતું હોય તેમણે શ્રવણ કરવું અને વાંચી સંભળાવે તેવો કોઇ ન હોય તો છેવટે આ શિક્ષાપત્રીની પૂજા કરવી અને એમાંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરવો એમ અમારી
આજ્ઞા છે.
આવી ર૧ર શ્લોકની સદ્બોધીની શિક્ષાપત્રીમાંથી અહીં ર૧ જેટલા મનનીય સંસ્મરણો ચૂંટીને મૂકવામાં આવ્યાં છે. તો આપણે તેને વાંચીએ તેને જીવનમાં ઉતારી કૃતાર્થ બનીએ.
– અહિંસા આદિક સદાચાર, તેને જે મનુષ્ય પાળે છે તે આલોક ને પરલોકને વિષે મહાસુખિયા થાય છે. (શ્લોક-૮)
• ઝીણા એવાં જૂ, ચાંચડ આદિ કોઇ જીવ પ્રાણીમાત્રની પણ હિંસા ન કરવી. (શ્લોક-૧૧)
• ક્રોધે કરીને અથવા કોઇ અયોગ્ય આચરણ થઇ જાય તે થકી મૂંઝાઇને પણ આત્મઘાત ન કરવો. (શ્લોક-૧૪)
• ધર્મ કરવાને અર્થે પણ, કોઇએ ચોરનું કર્મ ન કરવું. (શ્લોક-૧૭)
– ક્યારેય વ્યભિચાર ન કરવો તથા ભાંગ, મફર, માજમ ગાંજો એ આદિક વ્યસન તેનો ત્યાગ કરવો. (શ્લોક-૧૮)
• જે કૃતધ્ની હોય તેના સંગનો ત્યાગ કરવો અને વ્યવહાર કાર્યને વિશે કોઇની લાંચ ન લેવી. (શ્લોક-ર૬)
• ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું. (શ્લોક-૩૦)
• જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી હોય તથા ગુરુએ સર્વેનું અપમાન કરવું. (શ્લોક-૩પ)
• વિચાર્યા વિના તત્કાળ કાંઇ કાર્ય ન કરવું અને પોતે જે વિદ્યા ભણ્યા હોઇએ તે બીજાને ભણાવવી. (શ્લોક-૩૬)
• કોઇનો વિશ્વાસઘાત ન કરવો અને પોતાને મુખે કરીને પોતાનાં વખાણ ન કરવાં. (શ્લોક-૩૭)
• જે વસ્ત્ર પહેર્યે થકે પણ પોતાનાં અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું. (શ્લોક-૩૮)
• નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. (શ્લોક-૬૩)
• ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એમનું સન્માન કરવું. (શ્લોક-૭૩)
• સર્વ જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું. (શ્લોક-૭૯)
• ભગવાનને વિશે ભક્તિ ને સત્સંગ કરવો તે બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. (શ્લોક-૧૧૪)
• હર કોઇ અન્નાર્થી મનુષ્ય તેની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નના દાને કરીને સંભાવના કરવી. (શ્લોક-૧૩૧)
• પૃથ્વીને વિશે ‌સદ્દ્ વિદ્યાની પ્રવૃત્તિ કરાવવી, કેમ કે વિદ્યા દાને કરીને મોટું પુણ્ય થાય છે. (શ્લોક-૧૩ર)
-શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગર

You might also like