અમદાવાદમાં વાહનચાલકોની બેદરકારીનો વધુ એક કિસ્સો, જોગિંગ કરી રહેલા યુવાનને અડફેટે લેતાં મોત

અમદાવાદ: શહેરમાં પુરઝડપે વાહન ચલાવીને અકસ્માત સર્જવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. પુરઝડપે ચલાવતાં વાહનચાલકોના કારણે દર એકાદ બે દિવસે નિર્દોષ રાહદારી કે વાહન ચાલકો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે. ભારતીય સેનામાં જોડાવવા માટે શારીરિક કસોટીની તૈયારી કરવા માટે દોડવા જતા એક યુવકને આજે વહેલી અજાણ્યા વાહનચાલકે અડફેટમાં લેતાં તેનું ઘટના સ્થળે મોત થયું છે.

ખોખરા વિસ્તારમાં રહેતા ૨૬ વર્ષિય રામનરેશ બચ્ચા યાદવ આજે વહેલી સવારે ખોખરા રોડ પર અજાણ્યા વાહનચાલકે ટક્કર મારીને ફરાર થઇ જતા સમગ્ર વિસ્તારમાં ચકાચાર મચી ગઇ છે. રામનરેશ ભારતીય સેનામાં જોડાવવા માટે શારીરિક કસોટી માટેની તૈયારી કરી રહ્યો હતો.

વહેલી સવારે કાંકરિયાથી ખોખરા દોડવા માટે જતો હતો. સવારે પણ રાબેતા મુજબ રામનરેશ કાંકરિયાથી ખોખરા તરફ દોડ લગાવી રહ્યો હતો તે સમયે અજાણ્યા વાહનચાલકે તેને અડફેટમાં લઇને ફરાર થઇ ગયો હતો.

કારની ટક્કરે રામનરેશ હવામાં ફંગોળાઇને જમીન પર પટકાયો હતો જ્યાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું. ઘટનાની જાણ પોલીસને થતાં તે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને રામનરેશની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી છે. પોલીસે ઘટના સ્થળથી આસપાસના સીસીટીવી ફુટેજ મેળવીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે ત્રણ દિવસમાં હિટ એન્ડ રનના અનેક કિસ્સા બન્યા છે જુહાપુરા રોડ પર રિક્ષાચાલકે પૂનમ બારિયા નામના યુવકને અડફેટમાં લીધો હતો જ્યાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે પ્રેરણાતીર્થ દેરાસર રોડ પર સુરેશ ઠાકોર નામના યુવકને કારચાલકે ટક્કર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનામાં પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે અભિનંદન ટ્રાવેલ્સના ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

You might also like