માતા બન્યાના એક મહિનામાં જ અન્ના કુર્નિકોવા જિમમાં પહોંચી

લંડનઃ રશિયાની ભૂતપૂર્વ ટેનિસ સુંદરી અન્ના કુર્નિકોવા અને તેનાે પતિ એનરિક ઇગ્લેસિયાસ ગત મહિને જ જોડિયાં બાળકો – નિકોલસ અને લૂસીનાં માતાપિતા બન્યાં હતાં. એક મહિના બાદ જ ૩૬ વર્ષીય કુર્નિકોવા ફરીથી જિમ પહોંચી ગઈ છે અને પોતાની ફિટનેસ પર કામ કરવા લાગી છે. આનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

આ વીડિયોમાં કુર્નિકોવા સ્પોર્ટ્સ વિયરમાં નજરે પડી રહી છે અને મેટ પર કસરત કરી રહી છે. આ સમયે તેનો પાલતુ ડોગી પણ પાસે જ બેઠો છે. આ નાનકડા વીડિયોમાં કાળા રંગની મેટ પર અન્ના પુશઅપ કરવાની તૈયારીમાં છે. તે એક પગ આગળ લાવે છે અને ડોગી પગની વચ્ચે આરામથી બેઠેલો છે.

અન્ના અને એનરિક માટે આ સમયગાળો બહુ જ યાદગાર રહ્યો છે. આ દંપતીએ અચાનક જ જોડિયાં બાળકોનાં માતાપિતા બન્યાના સમાચાર આપીને બધાંને ચોંકાવી દીધા હતા. અન્ના અને એનરિક પહેલી વાર એસ્કેપના એક મ્યુઝિક વીડિયોના શૂટિંગ દરમિયાન મળ્યાં હતાં અને ત્યાર બાદ છેલ્લાં ૧૬ વર્ષથી એકબીજાને જાણે છે.

ગત સપ્તાહે બંનેએ પોતાનાં બાળકોની તસવીર પહેલી વાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જેને ૧૨ લાખ ફોલોઅરે લાઇક કરી હતી. બંનેએ આ પોસ્ટ સાથે લખ્યું હતું, ”માય સનશાઇન…”

You might also like