અન્ના હજારે જનલોકપાલ મુદ્દે ફરીથી આંદોલન કરશે, 23માર્ચ તારીખ આપી છે

સામાજીક કાર્યકર્તા અન્ના હજારે એકવાર ફરીથી આંદોલન કરવાના મૂડમાં આવી ગયા છે. તેઓ જનલોકપાલ અને ખેડૂતોના મુદ્દે ફરી દિલ્લીમાં આંદોલન કરવાના છે. લોકપાલ આંદોલનના મુખ્ય સૂત્રધાર અન્ના હજારેએ કહ્યું હતું કે, તેમણે આંદોલન શરૂ કરવા માટે 23 માર્ચ 2018ની તારીખ નકકી કરી છે.

23મી માર્ચે શહિદ દિવસ હોવાથી તેમણે આ તારીખ આંદોલન માટે પસંદ કરી છે. પોતાના સમર્થકો સાથે બેઠક કરતી વખતે અન્નાએ કહ્યું કે, જનલોકપાલ, ખેડૂતોના મુદ્દાઓ પર ચૂંટણી સુધાર માટે સત્યાગ્રહ કરવામાં આવશે. અન્ના હજારેએ આ બંને મુદ્દે વડાપ્રધાન મોદીને બે પત્રો પણ લખ્યા છે.

જો કે તેમના મતે વડાપ્રધાને આ પત્રનો કોઈ જવાબ આપ્યો નથી. વધુમાં અન્ના હજારેએ કહ્યું કે, 22 વર્ષમાં ઓછામાં ઓછા 12 લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ વર્ષોમાં ક્યારેય કોઈ ઉદ્યોગપતિઓએ જીવ આપ્યો નથી. ઉલ્લેખનીય છે કે અન્ના હજારેએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ 2011માં 12 દિવસ માટે ઉપવાસ કર્યા હતા. UPA સરકારે લોકપાલ બિલ પાસ કર્યું હતું. મોદી સરકારે ટેકનિકલ કારણોસર લોકપાલની નિમણૂક કરી નથી.

You might also like