અણ્ણાનો હુંકારઃ શરીરમાં પ્રાણ હશે ત્યાં સુધી અનશન નહીં છોડું

નવી દિલ્હી, ગુરુવાર
છેલ્લા છ દિવસથી રામલીલા મેદાન પર સશકત લોકપાલ, ચૂંટણી સુધારા અને ખેડૂતોની માગણીને લઇને અનશન કરી રહેલા સામાજિક કર્મશીલ અણ્ણા હજારેની તબિયત આજે લથડી હતી. તબિયત લથડતાં બુધવારે સાંજે નિયમિત રીતે યોજાતી પત્રકાર પરિષદ રદ કરવામાં આવી હતી. દરમિયાન અણ્ણાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું અનશન નહીં છોડું. ભગવાન મારી સંભાળ લેશે.

અણ્ણાની તબિયતનું મોનિટરિંગ કરી રહેલા ડો.ધનંજયે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં અણ્ણાનું વજન પ.પ કિ.ગ્રા. ઘટી ગયું છે. તેમનું બીપી પણ ૧૮૬-૧૦૦ છે. જે ઘણું વધારે કહેવાય. તેમનું બ્લડશુગર પણ ઘટી ગયું છે.

હવે તેમને વધુને વધુ આરામ કરવાની અને પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. છેલ્લા બે દિવસથી કેન્દ્ર સરકાર વતી મહારાષ્ટ્ર સરકારના જળ સંસાધન પ્રધાન ગિરીશ મહાજન અને અણ્ણા વચ્ચે થઇ રહેલી વાતચીત નિષ્ફળ ગઇ છે.

કેન્દ્ર સરકાર તરફથી જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો તેને અણ્ણાએ ફગાવી દીધો હતો. હવે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અણ્ણા સાથે વાતચીત કરશે એવી શકયતા જોવાઇ રહી છે. જોકે હજુ સુધી કેન્દ્ર સરકાર વતી વાતચીત માટે કોઇ આગળ આવ્યું નથી. અણ્ણાએ આંદોલનકારીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સાથેની વાતચીત નિષ્ફળ રહી છે.

You might also like