સારું થયું કેજરીવાલથી અલગ થઇ ગયો નહીતર મારી પણ કેજરીવાલ જેવી દુર્દશા થાત: અણ્ણા હઝારે

નવી દિલ્હી: સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારેએ કહ્યું કે સારું થયું તેમણે અરવિંદ કેજરીવાલનો સાથ છોડી દીધો. અણ્ણા હઝારેએ પોતાના જીવન પર બની રહેલી ફિલ્મ ‘અણ્ણા’ના પોસ્ટર લોન્ચિંગના અવસર પર આ નિવેદન આપ્યું હતું. ફિલ્મનું નિર્માણ શશાંક ઉદાપુરકર કરી રહ્યાં છે. આ અવસર પર અણ્ણાએ કહ્યું હતું કે ‘આ સારું થયું કે મેં અરવિંદનો સાથ છોડી દીધો, નહી તો મારી પણ આવી દુર્દશા થાત.’’

અણ્ણા હઝારેએ કહ્યું હતું કે ‘’હવે મારે અરવિંદ કેજરીવાલ સાથે કોઇ સંબંધ નથી. મને ખબર નથી કે શું સાચું છે અને શું ખોટું. પરંતુ જ્યારે પણ હું સમાચારોમાં તેના વિશે વાંચું છું તો મને દુખ થાય છે.’’

અત્રે ઉલ્લેખનીય છે કે 2011માં અણ્ણા હઝારે આંદોલનના સમયે અરવિંદ કેજરીવાલ તેમના સહયોગી હતા. બંનેએ સાથે મળીને જનલોકપાલ બિલ માટે દિલ્હીમાં જંતર મંતર પર ધરણા ધર્યા હતા. તે સમયે કેજરીવાલ અણ્ણાને પોતાના ગુરૂ અને માર્ગદર્શક ગણતા હતા. તેમની સાથે મનીષ સિસોદિયા, કુમાર વિશ્વાસ અને કિરણ બેદી પણ હતા. જો કે બાદમાં બધા રાજકારણમાં આવી ગયા. કિરણ બેદી ભાજપમાં જતા રહ્યાં. હવે તે પુડુચેરીની ઉપરાજ્યપાલ છે.

અરવિંદ કેજરીવાલ રાજકારણમાં ગયા બાદ અણ્ણા હઝારેએ તેમની સાથે પોતાનો સંબંધ તોડી દીધો હતો. અણ્ણા હઝારે રાજકારણમાં જવાની વિરૂદ્ધમાં હતા. જો કે આ વર્ષે જાન્યુઆરીમાં અણ્ણા હઝારેએ અરવિંદ કેજરીવાલની પ્રશંસા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ સ્પષ્ટ ચરિત્ર અને આદર્શવાદી છે.

You might also like