અંકલેશ્વરના ભંગારના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ

અંકલેશ્વર :  અંકલેશ્વર-રાજપીપળા રોડ પર અજમેર માર્કેટમાં આવેલ ભંગારના ખુલ્લા ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ નાસભાગ મચી જવા પામી હતી.આશરે પાંચથી છ કલાક સુધી ચાલેલ આગ પર પાંચથી વધુ ફાયર ફાઈટરોએ સતત પાણીનો છંટકાવ કરી કાબુ મેળવ્યો હતો.અંકલેશ્વર-રાજપીપળા રોડ પર અજમેર માર્કેટ આવેલું છે. જેમાં આવેલા ભંગારના ખુલ્લા ગોડાઉનમાં રાત્રે એકાએક આગ ભભૂકી ઉઠી હતી.

ખુલ્લા ગોડાઉનમાં રહેલ લાકડા પ્લાસ્ટીક અને રસાયણયુકત કચરાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.નજીકમાં કામ કરી રહેલા અન્ય ગોડાઉનના માલિકોએ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યા હતા.પરંતુ આગને વધુને વધુ વિકરાળ બનતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી.

અંકલેશ્વર ડીપીએમસીના પાંચ ફાયર ટેન્ડરોની સાથે લાશ્કરોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. ભીષણ આગને પગલે ગોડાઉન નજીક આવેલ અનેક કાચા મકાનોમાં આગ ભભૂકી ઉઠી હતી. જેના પર લાશ્કરોએ કાબુ મેળવ્યો હતો.

You might also like