અંકલેશ્વર નજીકથી બિનવારસી કન્ટેનરમાંથી બિયરનો જંગી જથ્થો ઝડપાયો

અમદાવાદ: બહારના રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો લાવી ગુજરાતમાં ઘુસાડતા બુટલેગરો બેફામ બન્યા છે. નેશનલ હાઇવે નં. ૮ પર અંકલેશ્વર નજીક ત્રિરંગા હોટલ પાસે બિનવારસી હાલતમાં પડેલ એક કન્ટેનરની જડતી કરતાં તેમાંથી બિયરનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ જથ્થા સાથે રૂ.૪૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર હાઇવે પર ત્રિરંગા હોટલ પાસે છેલ્લા ર૪ કલાકથી એક કન્ટેનર બિનવારસી હાલતમાં પડ્યું હતું. દરમિયાનમાં વાહન ચેકિંગમાં નીકળેલી પોલીસ ટીમને શંકા જતાં કન્ટેનરની જડતી કરી હતી. જડતી દરમિયાન કન્ટેનરમાંથી જુદા જુદા બ્રાન્ડની બિયરની બોટલ ભરેલા ૧૦૭૬ બોકસ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આ કન્ટેનર હરિયાણા પાસિંગનું હોવાનું જાણવા મળ્યું હતું. ટેન્કરનો ચાલક અને કલીનર પોલીસના ભયથી નાસી છૂટ્યા હતા.

આ ઉપરાંત ગાંધીધામ રોડ પર વારાહી નજીકથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી એક ટેન્કરને ઝડપી લઇ તેની જડતી કરતાં ચૂનાની થેલીઓ નીચે છુપાવેલ વિદેશી દારૂ ભરેલી ૪૩૦ પેટી મળી આવી હતી, જેની કિંમત આશરે રૂ.ર૧ લાખ જેટલી થવા જાય છે. પોલીસે ટેન્કર અને વિદેશી દારૂ સાથે રૂ.૪૧ લાખનો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના ક્રિશ્નારામ મંગારામ ભીલ અને મદનરામ દયારામ જાટની ધરપકડ કરી છે.

ઉપરોકત વિદેશી દારૂનો જથ્થો કયાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કયાં પહોંચાડવાનો હતો તે બાબતે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

You might also like