બરવાળામાં કારમાં સગીરા પર પશુ ડોક્ટરે બળાત્કાર ગુજાર્યો

અમદાવાદ: બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રેફડા ગામની સગીરાને કારમાં લિફ્ટ આપવાના બહાને પશુઓના ડોક્ટરે તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની છે.

દુષ્કર્મ બાદ બંને આરોપીઓ સગીરાને રેફડા ગામે રોડ ઉપર ઉતારી નાસી છૂટ્યા હતા. આ અંગે પીડિતાએ ચાચ‌િરયા ગામના બંને આરોપીઓ વિરુદ્ધ બરવાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતાં પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ બરવાળા તાલુકાના રેફડા ગામે સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં ગામની ૧૬ વર્ષીય સગીરા પોતાના પિતાએ ભાગવી રાખેલી વાડીએ રીંગણાં ઉતારવા ગઈ હતી. સગીરા વાડીનું કામ પૂરું કરી સેંથળીથી રેફડા તરફ જતા કાચા રસ્તાથી ઘર તરફ જતી હતી.

દરમિયાનમાં સૂમસામ રસ્તાનો ફાયદો લઈ બે યુવાનો-બરવાળાના ચાચરિયા ગામમાં રહેતા પશુઓના ડૉક્ટર હરેશ ભરવાડ અને તેનો મિત્ર ચેતન પાછળથી કાર લઈને આવ્યા હતા. હું તને તારા ઘરે મૂકી જાઉં તેમ કહી પોતાની ગાડીમાં બેસાડી લઈ ગયા હતા.

બગડ ગામ નજીક સૂમસામ જગ્યાએ કાર ઊભી રાખીને કારમાં જ હરેશ ભરવાડે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ રેફડા ગામના રોડ ઉપર સગીરાને ઉતારી દઈ બન્ને આરોપીઓ નાસી છૂટ્યા હતા. સગીરાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.

You might also like