અનિલ કુંબલેને ટીમ ઇન્ડિયાના કોચ તરીકે ૭.પ કરોડનો અધધ પગાર!

નવી દિલ્હી: અનિલ કુંબલે ટીમ ઇન્ડિયાના નવા કોચ બની ગયા છે. જોકે બીસીસીઆઇ અને અનિલ કુંબલે વચ્ચે થયેલા કોન્ટ્રાકટની વિગતો હજુ સુધી જાહેર થઇ નથી, પરંતુ મીડિયા અહેવાલો અનુસાર કુંબલેને એક વર્ષ માટે રૂ.૭.પ૦ કરોડનો પગાર મળશે અને આ રીતે કુંબલે દુનિયામાં સૌથી વધુ પેમેન્ટ મેળવનાર કોચ બની જશે.

અત્રેે ઉલ્લેખનીય છે કે બીસીસીઆઇ સૂત્રોને ટાંકીને જૂન મહિનામાં એક અખબારે એવો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે બીસીસીઆઇ રવિ શાસ્ત્રીને આગામી કોચ બનાવવા માટે વાર્ષિક રૂ.૭.પ૦ કરોડની સેલરીની ઓફર કરનાર છે. રિપોર્ટ અનુસાર છેલ્લે ડંકન ફલેચર કોચ હતા અને એ વખતે તેમને વાર્ષિક રૂ.૪.પ કરોડની સેલરી મળતી હતી.

કોચ તરીકે પોતાનું પત્તું કપાઇ જતાં રવિ શાસ્ત્રીની નારાજગી સમજી શકાય તેમ છે. કારણ કે રૂ.૭.પ કરોડનો સવાલ છે. કોચ માટે રવિ શાસ્ત્રીનું નામ લગભગ નક્કી જ હતું, પરંતુ એવું કહેવાય છે કે સૌરવ ગાંગુલીના કારણે રવિ શાસ્ત્રીનું પત્તું કપાઇ ગયું અને કુંબલેનું નામ ફાઇનલ થઇ ગયું.

રવિ શાસ્ત્રીએ આડકતરી રીતે આ માટે સૌરવ ગાંગુલી સામે નિશાન પણ તાકયું હતું અને ટીમ ઇન્ડિયાના કોચની પસંદગી બાબતમાં શાસ્ત્રી અને ગાંગુલી વચ્ચે હવે ખુલ્લઆમ શાબ્દિક યુદ્ધ છેડાયું છે. શાસ્ત્રીએ એવું જણાવ્યું હતું કે તેના ઇન્ટરવ્યૂ વખતે સિલેકશન સાથે સંકળાયેલી સમિતિના સભ્ય સૌરવ ગાંગુલી હાજર ન હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે રવિ શાસ્ત્રી ઇન્ટરવ્યૂ વખતે વિદેશમાં હતા અને સ્કાઇપ દ્વારા ઇન્ટરવ્યૂમાં જોડાયા હતા. આથી એવી અટકળો વહેતી થઇ છે કે શાસ્ત્રીની નારાજગીનું એક કારણ ટીમ ઇન્ડિયાના કોચને મળનાર રૂ.૭.પ કરોડનો તોતિંગ સેલરી પણ હોઇ શકે. રવિ શાસ્ત્રીને ટીમ ડાયરેકટરની જવાબદારી મળી છે. આ જવાબદારી સંભાળવા માટે તેને વાર્ષિક રૂ.૬ કરોડનો પગાર પણ મળે છે. રિપોર્ટમાં એવું જણાવાયું છે કે રવિ શાસ્ત્રીને કોમેન્ટેટર તરીકે બીસીસીઆઇ સાથે રૂ.૪ કરોડનો કોન્ટ્રાકટ થયો હતો. વર્લ્ડકપમાંથી ટીમ ઇન્ડિયા આઉટ થવાથી ડાયરેકટર તરીકેનો તેનો કાર્યકાળ સમાપ્ત થઇ ગયો છે.

You might also like