કુંબલે BCCIની વહીવટી સમિતિમાં સામેલ થશે?

મુંબઈઃ ટીમ ઇન્ડિયાનો ભૂતપૂર્વ કોચ અનિલ કુંબલે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વહીવટી સમિતિનો સભ્ય બને તેવી શક્યતા છે. અસલમાં સીઓએની સભ્ય અને ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર ડાયના એદલજીએ સમિતિ સમક્ષ એ માગણી કરી છે કે કુંબલેને રાજીનામું આપી દેનારા ઇતિહાસકાર રામચંદ્ર ગુહાના સ્થાને સમિતિમાં સામેલ કરવામાં આવે. સમિતિના બાકીના સભ્યો ડાયનાની આ માગણીથી આશ્ચર્યમાં પડી ગયા છે. ઉલ્લેખનીય છે કે ડાયનાએ જ કોચપદના આવેદનની તારીખ લંબાવવાના બીસીસીઆઇના નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા હતા, જોકે સીઓએના અધ્યક્ષ વિનોદ રાય અને વિક્રમ લિમયે એ નિર્ણયથી ખુશ હતા.

સીઓએ ડાયના એદલજીની કામ કરવાની રીતથી બહુ ખુશ નથી. કોઈ પણ સભ્યોએ હજુ સુધી ક્યારેય ખૂલીને આ અંગે વાત નથી કરી, પરંતુ પાછલા કેટલાક સમયથી ડાયના સાથેના મતભેદ ઘણા વધી ગયા છે. એદલજી ઘણા સમયથી મહિલા ટી-૨૦ લીગને લઈ બીસીસીઆઇ સાથે વાત કરી રહી છે, જોકે આ અંગે તેણે કોઈ સત્તાવાર પત્ર હજુ સુધી લખ્યો નથી. એવા અહેવાલો પણ છે કે બીસીસીઆઇ આ વિચાર સાથે સહમત નથી. બીસીસીઆઇનું માનવું છે કે મહિલા ટી-૨૦ લીગ વર્તમાન સમયમાં યોગ્ય વિકલ્પ નથી.

આ સાથે ડાયના એવી પણ માગણી કરી ચૂકી છે કે સીઓએના દરેક સભ્યને દરેક બેઠક માટે નાણાંની ચુકવણી કરવી જોઈએ. હાલ ડાયના મહિલા ક્રિકેટરો માટે પેન્શન યોજના પર કામ કરી રહી છે. ડાયનાની આ બધી માગણીઓથી સીઓએ અને બોર્ડ બંને ખુશ નથી.

You might also like