ભાજપ પ્રવક્તાને બલૂચી રેડિયોનો રસપ્રદ અનુભવ

ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા અનિલ બલૂનીને બલૂચ રેડિયો સ્ટેશનમાંથી એક દિવસ ફોન આવ્યો અને એલઓસી પાર કરીને ભારતીય સેનાએ કરેલા સર્જિકલ સ્ટ્રાઈક ઓપરેશન અંગે તેમની પ્રતિક્રિયા પૂછવામાં આવી ત્યારે અનુભવી પ્રવકતાની માફક બલૂનીએ પાર્ટી લાઈન પ્રમાણે જ પ્રતિક્રિયા આપી. મજાની વાત એ બની કે ત્યાર પછીના દિવસોમાં બલૂની પર રોજ એ રેડિયો સ્ટેશનમાંથી ફોન આવવા લાગ્યા અને તેમની પાસેથી વિવિધ ઘટનાક્રમ અંગે પ્રતિભાવ પૂછવામાં આવતા હતા. આખરે બલૂનીની ધીરજ ખૂટી અને એક દિવસ પૂછી નાખ્યું કે ભાઈ, આટલા બધા ફોન મને શા માટે કરો છો, બીજા અનેક વરિષ્ઠ નેતાઓ છે જેમની પ્રતિક્રિયા રેડિયો સ્ટેશન મેળવી શકે તેમ છે. જવાબમાં સામે છેડેથી કહેવામાં આવ્યું કે તે તેમની સાથે ઘનિષ્ઠતા અનુભવે છે, કેમ કે એ પોતે (ફોન કરનાર) પણ સિંધી છે.

આ વાત સાંભળીને બલૂની ખરેખર ચોંકી ગયા કેમ કે તેઓ સિંધી નથી બલકે ઉત્તરાખંડના છે. રેડિયો સ્ટેશનનો એ કર્મચારી તેમની સરનેમને કારણે ગેરસમજ કરી બેઠો હતો. તેમને એમ કે ભાજપના સિંધી નેતાઓ દિવંગત મલકાની અને અડવાણીની માફક બલૂની પણ સિંધી હશે. બલૂનીએ પોતે સિંધી નથી એવી સ્પષ્ટતા કર્યા પછી પણ તેમના પર ફોન આવવાના ચાલુ રહ્યા અને બલૂનીએ ફરી એક વાર પ્રતિવાદ કર્યો ત્યારે રેડિયો સ્ટેશનના ન્યૂઝ રિડરે કહ્યું કે આટલી બધી વાતચીત પછી હવે તે ખરેખર તેમની સાથે નિકટતા અને સહજતા અનુભવે છે!

You might also like