વાઈબ્રન્ટ સમિટના આમંત્રિતોની યાદીમાંથી અનિલ અંબાણીની બાદબાકી

અમદાવાદ: ૧૮મી જાન્યુઆરીથી શરૂ થનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦૧૯માં દેશના ૧૯ અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઇઓ ઉપસ્થિત રહેનાર છે. આ ૧૯ અગ્રણીઓનાં લિસ્ટમાંથી રિલાયન્સ એડીએ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીનું નામ ન હોઇને તેની ચર્ચા જાગી છે તો બીજી તરફ પાકિસ્તાન ડેલિગેશનનું નામ પણ આ યાદીમાંથી ગાયબ છે.

વર્ષ ર૦૦૩માં વાઈબ્રન્ટની શરૂઆતથી જ દર વખતે સમિટમાં નિયમિત હાજરી આપતાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીનું નામ ગુજરાત સરકારે જાહેર કરેલી આમંત્રિતોની યાદીમાં નથી. હજુ થોડા સમય પૂર્વે મુખ્યપ્રધાન વિજય રૂપાણી વાઈબ્રન્ટ ગુજરાત સમિટને પ્રમોટ કરવા માટે મુંબઇના અનેક ઉદ્યોગકારો સીઇઓને મળ્યા હતા.

કોંગ્રેસ સહિત વિપક્ષો દ્વારા રફાલ ડીલ મામલે અનિલ અંબાણીની કંપનીને ફાયદો કરાવ્યો હોવાના આક્ષેપો કર્યા છે. આવા સંજોગોમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાંથી અનિલ અંબાણીનાં નામની બાદબાકી સૂચક અને ચર્ચાસ્પદ બની છે. દરમ્યાન વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં દુશ્મન દેશ ગણાતા પાકિસ્તાનના ડેલિગેશનને આમંત્રણ અપાયું હોવાની બાબતે કોંગ્રેસે સરકાર પર ગંભીર આક્ષેપો કરી વિરોધ નોંધાવ્યો છે.

ત્યારે ભાજપ સરકારે આ કાર્યક્રમમાં કોને આમંત્રણ આપવું તે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ નક્કી કરતી હોવાનું જણાવીને બચાવ કર્યો હતો. ચેમ્બરના પ્રમુખ જૈમિન વસાએ સ્પષ્ટતા કરવી પડી હતી કે ઇન્ટરનેશનલ ચેમ્બરના લિસ્ટ મુજબ જનરલ સર્ક્યુલર કરવામાં આવ્યો હતો. તેમાં કરાચી ચેમ્બર ઓફ કોમર્સનો સમાવેશ થયો હતો. હવે સરકારે જાહેર કરેલી આખરી આમંત્રિતની યાદીમાંથી મૂકેશ અંબાણી સાથે પાકિસ્તાનના ડેલિગેશનનું નામ પણ કમી કરાયું છે.

You might also like