એરિક્સન કેસમાં અનિલ અંબાણી દોષીઃ ચાર સપ્તાહમાં ૪પ૩ કરોડ ચૂકવવા સુપ્રીમનો આદેશ

(એજન્સી) નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આરકોમ વિરુદ્ધ એરિક્સન કેસમાં આરકોમના ચેરમેન અનિલ અંબાણીને મોટો ઝાટકો આપીને અદાલતની અવમાનના માટે દોષી જાહેર કર્યા છે. આ ઉપરાંત અન્ય બે ડાયરેક્ટરને પણ દોષિત જાહેર કર્યા છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રૂપિયા આપવાની અન્ડરટેકિંગ આપ્યા બાદ પણ કંપની રૂપિયા આપવા માગતી નથી. અનિલ અંબાણી અને અન્યએ સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલી અન્ડરટેકિંગનું પણ ઉલ્લંઘન કર્યું છે.

સુપ્રીમ કોર્ટે આ અંગે આદેશ કરતાં જણાવ્યું છે કે અનિલ અંબાણીની કંપની આરકોમ પર એરિક્સનના રૂ.પપ૦ કરોડ બાકી નીકળે છે. આરકોમ હવે એરિક્સનને રૂ.૪પ૩ કરોડ ચૂકવેે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જો અનિલ અંબાણી ચાર સપ્તાહમાં એરિક્સનને રૂ.૪પ૩ કરોડ નહીં ચૂકવે તો અનિલ અંબાણી સહિત અન્ય બે ડાયરેકટરને જેલમાં જવું પડશે. તેમને ત્રણ મહિનાની જેલની સજા થઇ શકે છે.

સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો ત્યારે અનિલ અંબાણી કોર્ટમાં હાજર હતા. ન્યાયમૂર્તિ રોહિંગ્ટન ફલી ન‌રીમાન અને ન્યાયમૂર્તિ વિનિત સરનની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે અદાલતની અવમાનના બદલ અનિલ અંબાણી અને બંનેે ડાયરેક્ટર પર રૂ.એક-એક કરોડની પેનલ્ટી પણ લગાવી છે. જો તેઓ એક મહિનામાં પેનલ્ટીની રકમ જમા નહીં કરાવે તો તેના માટે પણ એક મહિનાની જેલની સજા થઇ શકે છે.

અનિલ અંબાણી ઉપરાંત દોષી જાહેર કરાયેલા બે ડાયરેક્ટરમાં રિલાયન્સ ટે‌િલકોમના અધ્યક્ષ સતીશ શેઠ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલનાં અધ્યક્ષ છાયા વિરાનીનો સમાવેશ થાય છે એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે આરકોમ દ્વારા કોર્ટમાં જમા કરાવવામાં આવેલા રૂ.૧૧૮ કરોડ એરિક્સનને રિલીઝ કરવાનો પણ આદેશ કર્યો છે. તેથી હવે આરકોમને રૂ.૪પ૩ કરોડ એરિક્સનને ચૂકવવાના બાકી રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણી સહિત અન્ય બે ડાયરેક્ટર વિરુદ્ધ બાકી નીકળતી રકમ નહીં ચૂકવવા બદલ ટેલિકોમ ઉપકરણ ઉત્પાદક કંપની એરિક્સને સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની ત્રણ અરજીઓ દાખલ કરી હતી. ૭ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે એરિક્સનની આ અરજીઓ પર અનિલ અંબાણીને નોટિસ આપી હતી અને ૧૩ ફેબ્રુઆરીના રોજ સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો હતો.

You might also like