ખાતાની ફાળવણી સામે નારાજ પુરુષોત્તમ સોલંકી કેબિનેટ બેઠકમાં ના ગયા

અમદાવાદ: કમુરતાંમાં રચાયેલી ભાજપ સરકારને એક પછી એક મુશ્કેલી નડી રહી છે. પાતળી બહુમતીથી રચાયેલી સરકારને ફરી એક વાર ‘નારાજગી’નું ગ્રહણ નડ્યું છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ‘સ્વમાન’ના મુદ્દે સારાં ખાતાંની માગનાં રિસામણાંનો એપિસોડ માંડ પૂરો થયો છે ત્યાં ફરી પ્રધાન પુરુષોત્તમ સોલંકી નારાજ થયા છે.

તેમણે પણ સારાં ખાતાંની માગણી સાથે નારાજગીના મુદ્દે આજે મળેલી પ્રધાન મંડળની પહેલી કેબિનેટ બેઠકમાં જવાનું ટાળ્યું છે. સવારે દસ વાગે કેબિનેટ બેઠક ચાલુ હતી ત્યારે કોળી સમાજના આગેવાનોના ટોળે ટોળાં ગાંધીનગરના તેમના નિવાસ સ્થાને એકઠાં થયાં છે. પ્રધાનોના નિવાસ સ્થાન બંગલા નં.૧૯માં પુરુષોત્તમ સોલંકી જ્ઞાતિ અને સમાજના આગેવાનો સાથે બેઠક કરીને આગળની રણનીતિ ઘડી રહ્યા છે.

ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો એક પછી સામી છાતીએ મેદાને પડતાં ખુદ દિલ્હી હાઇકમાન્ડ પણ ચોંકયું છે. ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મત્સ્ય ઉદ્યોગ પ્રધાન પુરુષોત્તમ સોલંકીએ ગઇ કાલ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રૂબરૂ મળીને રજુઆત કરી છે કે તેઓ છેલ્લી પાંચ ટર્મથી ચૂંટાઇ રહ્યા છે છતાં તેમને એકનું એક ખાતું અપાય છે અને કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે કેમ સ્થાન નથી અપાતું કે તેમને વધુ સારું ખાતું કેમ ફાળવવામાં આવતું નથી.

તેઓએ રજુઆત કરી કે મારી પાસે ફાઇલો નથી આવતી એટલે હું વિધાનસભા કે કેબિનેટમાં જતો નથી. હું બીમાર નથી સારી રીતે કામ કરી શકું છું. ખાતાની ફાળવણીને લઇને નારાજ પુરુષોત્તમ સોલંકીએ બળાપો કાઢ્યો છે કે મને પણ એક સારું કે મહત્વનું ખાતું મળવું જોઇએ હાલમાં તેમણે કોઇ પણ નિર્ણય લેવાનું કોળી સમાજ પર છોડ્યું છે. તેમના નિવાસ સ્થાને કોળી સમાજના આગેવાનો સાથેની બેઠક બાદ તેઓ કોઇ ચોક્કસ નિર્ણય લેશે.

You might also like