સીએમ બંગલો બહાર પ્રદર્શન કરવા ગયેલી આંગણવાડી બહેનોની અટકાયત

અમદાવાદઃ આંગણવાડી બહેનો તેમજ આશા વર્કરોની માગણીઓ અને સમસ્યાઓનાં નિરાકરણ માટે સરકાર વિરોધી રેલીને પગલે આજે રાજ્યમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી ગાંધીનગરમાં સીએમ બંગલાની બહાર પ્રદર્શન માટે આવેલી ૧પ૦ કરતાં વધુ મહિલા સહિત રાજ્યમાં વિવિધ જગ્યાએ પ્રદર્શન માટે એકત્રિત થયેલ હજારો મહિલાની અટકાયત કરવામાં આવી હતી. લધુતમ વેતન, નિવૃત્તિ વય મર્યાદા અને બહેનોને કાયમી કરવાની માગ સાથે રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. ગાંધૈનગર અને આસપાસની આંગણવાડીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં ઠેરઠેર નાકાબંધી કરી દેવામાં આવી હતી. બસ, જીપ કે પછી અન્ય કોઇ વાહનોમાં આંગણવાડીની મહિલા દેખાતાં જ તેમને રોકવામાં આવતી હતી.

ગુજરાત પ્રદેશ આંગણવાડી મહાસંઘ દ્વારા છેલ્લા કેટલાંક સમયથી આંગણવાડી બહેનો તેમજ આશા વર્કરોની બહેનોની પડતર માગણીઓ તેમજ સમસ્યાઓનાં નિરાકરણ માટે લડત આપવામાં આવી રહી છે. જોકે સરકાર દ્વારા તેમની માગણીઓ અંગે કોઇ ચોક્કસ નિરાકરણ લાવવામાં નહીં આવતાં આજે રાજ્યમાં ઠેરઠેર ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદેશમાંથી આંગણવાડીમાં કામ કરતા હજારો આંગણવાડી અને આશા વર્કરો દેખાવો કર્યા હતા. ગાંધીનગર તથા આસપાસના વિસ્તારમાં કામ કરતી બહેનો આજે સવારે સીએમ વિજય રૂપાણીના બંગલાની સામે દેખાવ કરાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા માટે આવી પહોચતાં પોલીસે તેમની અટકાયત કરી હતી. લઘુતમ વેતન કરી આપવાની તેમજ વિવિધ માગણીઓને લઇને આંગણવાડીના કર્મચારીઓએ ધરણાં, સભા અને રેલીનું આયોજન કર્યુ હતું. મિશન મંગલમ્ના કોન્ટ્રાકટના કર્મીઓએ કરાર પ્રથા નાબૂદી અંગે વિરોધ પ્રદર્શન આપવાની જાહેરાત કરી હતી. ગાંધીનગર એસપી વીરેન્દ્ર યાદવે જણાવ્યું છે કે ગાંધીનગરમાં કોઇપણ જગ્યાએ આંગણવાડી તેમજ આશા વર્કરો દેખાય તો તેમની અટકાયત કરવામાં  આવી રહી છે.

http://sambhaavnews.com/

You might also like