પગાર સહિતના પ્રશ્ને આંગણવાડીની બહેનોના રાજ્યભરમાં ઉગ્ર દેખાવો

અમદાવાદ: આંગણવાડી બહેનો તેમજ આશા વર્કરોની માગણીઓ અને સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર વિરોધી રેલીના પગલે આજે રાજ્યમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી ગાંધીનગર, પાલનપુર, રાજકોટ સહિત વિવિધ જગ્યાએ સંખ્યાબંધ મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. લઘુતમ વેતન તથા નિવૃત્ત વયમર્યાદા અને બહેનોને કાયમી કરવાની માગ સાથે ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર અને આસપાસની આંગણવાડીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ વિધાનસભા ખાતે દેખાવો કરવાના હતા, જોકે પોલીસે તેમની અટકાયત કરી હતી.

ગુજરાત પ્રદેશ આંગણવાડી મહાસંઘ દ્વારા છેલ્લા કેટલાક સમયથી આંગણવાડી બહેનો તેમજ આશા વર્કરોની બહેનોની પડતર માગણીઓ તેમજ સમસ્યાઓના નિરાકરણ માટે લડત આપવામાં આવી રહી છે, જોકે સરકાર દ્વારા તેમની માગણીઓ અંગે કોઇ ચોક્કસ નિરાકરણ લાવવામાં નહીં આવતાં આજે રાજ્યમાં ઠેરઠેર ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદેશમાંથી આંગણવાડીમાં કામ કરતા હજારો આંગણવાડી અને આશાવર્કરોએ દેખાવો કર્યા હતા. ગાંધીનગર તથા આસપાસના વિસ્તારમાં કામ કરતાં બહેનોએ આજે સવારે વિધાનસભા સુધી રેલી કાઢીને દેખાવો કર્યો હતો, જોકે પોલીસ રેલીને મંજૂરી નહીં આપતાં વહેલી સવારથી ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિવિધ માગણીઓને લઇને આવતા આંદોલનકારીઓની પોલીસે અટકાયત કરી હતી. લઘુતમ વેતન કરી આપવાનું તેમજ વિવિધ માગણીઓને લઇને આંગણવાડીના કર્મચારીઓએ ધરણાં, સભા અને રેલીનું આયોજન કર્યું હતું.

શની મંગલમના કોન્ટ્રાક્ટ કર્મીઓએ કરાર પ્રથા નાબૂદી અંગે વિરોધ પ્રદર્શન આપવાની જાહેરાત કરી હતી. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અરુણ મહેતાએ જણાવ્યું છે કે વહેલી સવારથી લઘુતમ વેતન તેમજ કર્મચારીઓને કાયમી કરવા જેવી અનેક માગણીઓ સાથે રાજ્યમાં ધરણાં, સભા તેમજ રેલીનું આયોજન કર્યું હતું, જોકે પોલીસે ઠેરઠેર આંદોલનકારીઓની અટકાયત કરી લીધી છે. આંગણવાડીના કર્મચારીઓને પીએફ અને ઇએસઆઇસીનો લાભ આપવો, ગ્રૂપ ઇન્સ્યોરન્સ સાથે લિંક કરી મેડિકલ સુવિધા આપવી, નિવૃત્ત આંગણવાણી વર્કર તેમજ હેલ્પર બહેનોને ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલાં ગ્રેચ્યૂઇટી અંગેના ચુકાદા મુજબ ગ્રેચ્યુઇટી ચૂકવવી, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડેલા પરિપત્ર મુજબ આંગણવાડીની બહેનોને આઇસીડીએસ સિવાય અન્ય પ્રવૃત્તિઓની કામગીરી નહિ સોંપવાના હૂકમનું 100 ટકા પાલન કરવા સહિતની વિવિધ માગણીઓ છે.

http://sambhaavnews.com/

You might also like