અા અાંગણવાડીમાં બાળકો કઈ રીતે ભણી શકતાં હશે?

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આંગણવાડીઓના સંચાલનમાં ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે અને આંગણવાડી સેવાના બદલે મેવામાં રચાતી લેભાગુ સંસ્થાઓને સોંપી દેવાઈ છે. આ સંસ્થાઓને સ્વાભાવિકપણે લાખો રૂપિયાની સરકારી ગ્રાન્ટની રકમ હડપ કરી જવાની લાલચ હોઈ નાનાં ભૂલકાંઓના ભાવિ સાથે ક્રૂર રમત રમાય છે.

એક પછી એક આંગણવાડીની દુર્દશા છાશવારે ઉઘાડી પડતી હોવા છતાં લગતાવળગતાઓના પેટનું પાણી પણ હાલતું નથી. હવે ઇન્દ્રપુરી વોર્ડના સંતોષીનગરની એક આંગણવાડીની બદતર હાલત પ્રકાશમાં આવી છે. આ આંગણવાડીમાં બાળગોપાલ તો ઠીક મોટેરાંઓએ પણ પગ મૂકવા જેવું નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરભરમાં ૬૦૦ જેટલી આંગણવાડીનો વહીવટ ચલાવાય છે, પરંતુ તંત્રના વહીવટના રેઢિયાળપણાથી જે તે આંગણવાડી ચલાવનાર સંચાલકોની છાશવારે ગેરરીતિની ફરિયાદો વારંવાર ઊઠે છે ત્યારે સંતોષીનગર ઇન્દ્રપુરી વોર્ડની આંગણવાડીમાં ભણતાં માસૂમ બાળકોના સ્વાસ્થ સાથે તંત્ર ચેડાં કરી રહ્યું છે. આ આંગણવાડીના કેમ્પસમાં વાહનોનું પાર્કિંગ થાય છે તેમજ તેના ફરતે ગંદકી તેમજ કચરાના ઢગલા જોવા મળે છે. આ વિસ્તારનાં અમુક અસામાજિક તત્ત્વો દારૂ પીવા માટે આ આંગણવાડીનો ઉપયોગ કરી રહ્યાં છે.

દક્ષિણ ઝોનમાં આવેલ ઇન્દ્રપુરી વોર્ડમાં આંગણવાડીનાં ગરીબ બાળકોના આરોગ્ય સાથે ખુદ સત્તાવાળાઓ ગંભીર રમત રમી રહ્યા છે. આ આંગણવાડીમાં ચાર ઓરડીમાં ઓરડીદીઠ ર૦ બાળકો ભણતાં હોઇ તેમના આરોગ્ય સાથે ચેેડાં થઇ રહ્યાં છે. આંગણવાડીની આજુબાજુના વિસ્તારમાંથી કચરો ભેગો કરીને કચરાના ઢગલા ઠલવાય છે. સાંજ ઢળતાં અસામાજિક તત્ત્વો દારૂની મહેફિલ જમાવતાં હોઇ દારૂની બોટલો પણ મળી આવે છે.

અહીં જે બાળકો આંગણવાડીમાં ભણવા માટે આવે તેમના માટે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી અને આંગણવાડીમાં બાળકો જ્યારે આવે ત્યારે તે ખૂબ ખરાબ હાલતમાં હોય છે. બાળકોને મોટા મોટા પથ્થર પણ પગમાં વાગતા હોય છે તેમજ બાળકો માટે પીવાના પાણીની જે ટાંકી બનાવી છે તે પણ તૂટી ગયેલી છે આંગણવાડીમાં બાળકોને રમવું હોય તો કેમ્પસમાં રમી પણ ના શકે, કેમ કે માટીના મોટા ઢગલાના કારણે ભૂલકાંઓ રમી શકતાં નથી, કારણ કે આંગણવાડીના કેમ્પસમાં વાહનોનો ખડકલો કરવામાં આવે છે અને ભંગાર વાહનો પણ મૂકી દીધાં છે. તંત્ર દ્વારા આ આંગણવાડીમાં કોઈ પણ જાતની દેખરેખ રાખવામાં આવતી નથી.

આ અંગે આંગણવાડીનો હવાલો સંભાળતા કોર્પોરેશનના એડિશનલ હેલ્થ ઓફિસર ડો.ભાવિન જોશી કહે છે કે સ્લમ વિસ્તારનાં અને ગરીબ બાળકો માટે આંગણવાડીઓ બનાવાઈ છે. આ આંગણવાડીઓ બપોર પછી ખાલી થઇ જાય છે ત્યાર બાદ અમુક તત્ત્વો આ પ્રકારની વૃત્તિ કરતાં હોય છે તેમ છતાં દક્ષિણ ઝોનની ઓ‌િફસમાં વાત કરી ત્યારે તપાસ કરાવું છું તેમ જણાવાયું હતું.
http://sambhaavnews.com/

You might also like