બે આંગડિયા પેઢીના કર્મચારીઓને બસમાંથી ઉઠાવી ર૦ લાખની લૂંટ

728_90

અમદાવાદ: ડીસા-પાદરા રૂટની બસમાં બેસી અમદાવાદ આવી રહેલા આંગડિયા પેઢીના બે કર્મચારીઓને બસમાંથી ખેંચી લઇ પોલીસ લખેલી સ્કોર્પિયો ગાડીમાં આવેલા પાંચ લૂંટારાઓએ રૂ.ર૦ લાખની રકમ લૂંટી લેતાં પોલીસ તંત્ર ચોંકી ઊઠયું છે. પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી લૂંટારાઓની સઘન શોધખોળ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે ડીસામાં આવેલી પ્રવીણ ઇશ્વર આંગડિયા પેઢીના કર્મચારી રાજુ દરબાર તથા વસંત અંબાલાલ આંગડિયા પેઢીનો એક કર્મચારી આ બંને જણા ડીસાથી પાદરા જતી એસટી બસમાં બેસી અમદાવાદ તરફ આવી રહ્યા હતા ત્યારે રાતના ૧૦-૦૦ વાગ્યાના સુમારે લક્ષ્મીપુરા પાટિયા પાસે પોલીસ લખેલી એક સ્કોર્પિયો ગાડીએ બસનો ઓવરટેક કરી બસને ઊભી રખાવી હતી.

બસ ઊભી રહેતાં જ પાંચ શખ્સોએ બસમાં ચઢી ઉપરોકત બંને આંગડિયા કર્મચારીઓને બસની બહાર ખેંચી લીધા હતા અને તેમની પાસેથી રૂ.ર૦ લાખની રકમ ભરેલા થેલાની લૂંટ ચલાવી આ શખ્સો બંને કર્મચારીઓને સ્કોર્પિયોમાં બેસાડી અપહરણ કરી નાસી છૂ્ટયા હતા. ત્યાર બાદ ધીણોજ નજીક આ બંને આંગડિયા કર્મચારીઓને ઢોર માર મારી ફેંકી દઇ લૂંટની રકમ સાથે નાસી છૂટયા હતા.

ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોલીસ કાફલા સાથે તાબડતોબ પહોંચી જઇ લુંટારુઓને પકડી પાડવા ચોતરફ નાકાબંધી કરી સઘન વાહન ચેકિંગ શરૂ કરી દીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ બસમાં અન્ય છ આંગડિયા પેઢીના કર્મચારીઓ પણ લૂંટાતા બચી ગયા હતા.

You might also like
728_90