પાલડીમાં વહેલી સવારે છરી મારી અાંગડિયાને લૂંટી લેવાયો

અમદાવાદ: નવા પોલીસ કમિશનર એ. કે. સિંઘ આવ્યા બાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા તેમજ ચોરી-લૂંટફાટની ઘટનાઓ અટકાવવા સખત સૂચના અપાઇ હોવા છતાં તેઓના જ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સૂચનાને ગંભીરતાથી લેતા નથી. દિવાળીના તહેવારોને આડે થોડા દિવસ બાકી છે ત્યાં જ પાલડી એસટી બસ સ્ટેન્ડ નજીક આજે વહેલી સવારે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લૂંટની ઘટના બની છે. બાઇક પર આવેલા બે શખ્સો આંગડિયા પેઢીના કર્મીને છરી બતાવી તેની સાથે ઝપાઝપી કરી બે થેલા લઇ ફરાર થઇ ગયા હતા. આશરે રૂ.૬ લાખની લૂંટ થઇ હોવાની શંકા વ્યક્ત કરાઇ છે, જોકે આંગડિયા પેઢીના માલિકની પૂછપરછ બાદ રકમનો સાચો આંકડો જાણવા મળશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રતનપોળમાં આવેલી માધવલાલ મગનલાલ પટેલ આંગડિયા પેઢીમાં મૂકેશભાઇ સોમાભાઇ પટેલ (ઉં.વ.૪પ, રહે. બલોલ ગામ) નોકરી કરે છે. આજે વહેલી સવારે ૭-૦૦ વાગ્યે મૂકેશભાઇ રતનપોળની ઓફિસથી બે થેલા લઇને આંગડિયાની જ બોલેરો ગાડીમાં બેસી પાલડીથી ગાંધીનગર જતી એસટી બસના બસસ્ટેન્ડ પર ઊતર્યા હતા.

જેવા મૂકેશભાઇ બસસ્ટેન્ડ પર ઊતર્યા કે ત્યાં બાઇક લઇને ઊભેલા બે શખ્સોએ મૂકેશભાઇ પાસે રહેલા બે થેલા છીનવ્યા હતા. લૂંટારુઓ અને મૂકેશભાઇ વચ્ચે ઝપાઝપી થઇ હતી. લૂંટારુઓએ છરી કાઢી મૂકેશભાઇને મારી દીધી હતી. છરી વાગતાં બંને થેલા હાથમાંથી છૂટી ગયા હતા અને લૂંટારુઓ બાઇક લઇ પાલડી સર્કલ તરફ નાસી ગયા હતા. ઘટના બનતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પાલડી પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે આશરે રૂ.૬ લાખ બેગમાં ભરેલા હતા. અગાઉથી જ કોઇએ રેકી કરી હોઇ શકે તેમજ કોઇ જાણભેદુએ બાતમી આપી હોઇ શકે તેવી શંકા પોલીસ સેવી રહી છે. ઘટનાની ક્રાઇમ બ્રાન્ચને પણ જાણ કરાતાં તેઓએ પણ તપાસ શરૂ કરી હતી. તત્કાલીન પોલીસ કમિશનર શિવાનંદ ઝા દ્વારા દિવાળીના તહેવારોને લઇ ખાસ ભીડભાડ, બસ સ્ટેન્ડ, બેન્ક તેમજ આંગડિયા પેઢી પર ખાસ વોચ રાખવા અને પેટ્રોલિંગના આદેશ આપ્યા હતા છતાં પોલીસના નાક નીચે જ લૂંટનો બનાવ બનવા પામ્યો છે, જેથી પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે.

You might also like