આંગડિયા પેઢીના સંચાલકો પોલીસ રક્ષણ માગવાથી દૂર કેમ ભાગે છે?

અમદાવાદ: રાજ્યમાં આવેલાં અનેક શહેરો અને અન્ય રાજ્યોમાં કરોડોના માલસામાન અને વ્યવહારોની હેરાફેરી કરતી આંગડિયા પેઢીમાં લૂંટના બનાવો વધતાં આંગડિયા પેઢીના માલિકોમાં ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે.  રાજ્યમાં છેલ્લા પાંચ દિવસમાં આંગડિયા પેઢીના માલની લૂંટના બનાવો વધતાં આંગડિયામાં મોકલાતા માલસામાનની સુરક્ષા અંગે સવાલો ઊઠ્યા છે. આંગડિયા એસોસિયેશન દ્વારા આગામી બે દિવસમાં મિટિંગ યોજી સુરક્ષા વધારવા નિર્ણય લેવાશે.

બાવળા-બગોદરા હાઇવે પર ત્રણ દિવસ અગાઉ ઇશ્વરદાસ બેચરદાસ આંગડિયા પેઢીની ટ્રકને આંતરી રૂ.પાંચ કરોડની લૂંટ ચલાવાઇ હતી. ૩ જૂનના રોજ નાગપુરથી મુંબઇ જવા નીકળેલી પી. ઉમેશ આંગડિયા પેઢીની કારને પણ આંતરી પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવાઇ હતી. જ્યારે ગઇ કાલે પંચમહાલના હાલોલમાં બે લૂંટારુઓ આંગડિયા પેઢીની ઓફિસમાં ઘૂસી કર્મચારીને પેટમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. ફરી એક વાર આંગડિયા પેઢીમાં લૂંટ થતાં આંગડિયા પેઢીના માલિકો ચિંતામાં મુકાઇ ગયા છે. આંગડિયા એસોસિયેશનના પ્રમુખ મહેશભાઇએ જણાવ્યું હતું કે બાવળા-બગોદરા હાઇવે પર રૂ.પાંચ કરોડની લૂંટ અને પંચમહાલના હાલોલમાં લૂંટ બાદ ફરી એક વાર આંગડિયા પેઢીઓ નિશાન બનતાં બે દિવસમાં તમામ માલિકો સાથે મિટિંગ કરીને પોલીસ સાથે સુરક્ષા બાબતે ચર્ચા કરાશે. તમામ આંગડિયા પેઢીના માલસામાનની સુુરક્ષા વધારાશે.

ક્રાઇમ બ્રાન્ચ જેસીપી જે. કે. ભટ્ટે જણાવ્યું હતું કે, “આંગડિયા પેઢીના સંચાલકો અને કર્મચારીઓની બેદરકારીના કારણે લૂંટના બનાવો બને છે. પોલીસ દ્વારા વારંવાર તેઓને સુરક્ષા બાબતે સૂચન કરવામાં આવે છે, પરંતુ તેઓ આ બાબતે વિશેષ ધ્યાન આપતા નથી. હાલમાં કેટલીક આંગડિયા પેઢીઓને સૂચના આપવામાં આવી રહી છે.”

કાલુપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.ડી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, “રાતના સમયે ગાંધીરોડ અને રતનપોળમાંથી આંગડિયા પેઢીનાે માલસામાન નીકળતો હોય છે ત્યારે ટ્રકની પાછળ એક પીઆર વાન મોકલવામાં આવે છે અને અમારી હદ સુધી તેઓને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.”

You might also like