પાંચ કરોડની અાંગડિયા લૂંટઃ મહિલાઅે રેકી કરી હતી!

અમદાવાદ: બાવળા બગોદરા હાઇવે પર થયેલી રૂ.પાંચ કરોડની ચકચારી લૂંટમાં આઇશર ટ્રકની રેકી કરી માહિતી આપનાર મહિલા આરોપીની ગ્રામ્ય એલસીબીએ ધરપકડ કરી છે. આરોપી રમીલા પ્રજાપતિ વીસનગરની રહેવાસી છે અને તેણે આઇશર ટ્રક અને આંગડિયા પેઢીનાં માલ સામાન અંગેની તમામ માહિતી સુરા ભરવાડ સુધી પહોંચાડી હતી.
એલસીબી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાવળા બગોદરા હાઇવે પર ઇશ્વરદાસ બેચરદાસ આંગડિયા પેઢીની ટ્રકને આંતરી રૂ. પાંચ કરોડની લૂંટ ચલાવાઇ હતી. જેમાં ગ્રામ્ય એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં છ આરોપીની
ધરપકડ કરી હતી. બાદમાં લૂંટમાં સંડોવાયેલા અન્ય ચાર પવાર ગેંગના શખસોની કરોડોના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

પોલીસ પૂછપરછ દરમિયાન લૂંટમાં ટ્રકની માહિતી આપનાર મહિલા આરોપી રમીલા પ્રજાપતિ (રહે. વીસનગર) એલસીબીએ ગત રાત્રે ઝડપી પાડી હતી. રમીલા વીસનગરમાં જમીન દલાલીનો વ્યવસાય કરે છે અને રામાભાઇ દ્વારા સુરા ભરવાડ સાથે રમીલાનો સંપર્ક થયો હતો. રમીલાએ આંગડિયા પેઢીની ટ્રકમાં કેટલો માલ ક્યાંથી ભરાય છે ક્યાં જવાનો છે વગરે માહિતી સુરા ભરવાડ સુધી પહોંચાડી હતી. આ કેસમાં કુલ પંદર આરોપી છે. જેમાં ગ્રામ્ય પોલીસે અત્યાર સુધીમાં અગિયાર જેટલા આરોપીઓને ઝડપી પાડી મોટાભાગનો મુદ્દામાલ કબજે કર્યો છે. બાકીના આરોપીઓને શોધવા પોલીસે કવાયત શરૂ કરી છે.

You might also like